વોશિંગ્ટનઃ વર્ષ ૨૦૨૦માં યોજાયેલી અમેરિકી ચૂંટણી સંબંધી અહેવાલમાં ચોંકાવનારી સ્પષ્ટતા થઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી હાર્યા પછી અમેરિકી સૈન્યના ટોચના અધિકારીઓને મતદાન મશીનો જપ્ત કરવાના આદેશ કર્યા હતા. વ્હાઇટ હાઉસ તરફથી લેખિતમાં આ આદેશ આપવામાં આવ્યા હતા. નેશનલ આર્કાઇવ દ્વારા બહાર પડાયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ મતદારોની ઈચ્છા વિના પણ અમેરિકી પ્રમુખપદે ચાલુ રહેવા માંગતા હતા.
વ્હાઇટ હાઉસ દ્વારા આ આદેશ ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ જારી કરાયો હતો. જોકે દસ્તાવેજમાં ટ્રમ્પના હસ્તાક્ષર નથી.વ્હાઇટ હાઉસે આ આદેશ કરવાની સાથોસાથ એક વિશેષ વકીલની પણ નિમણૂંક કરવા સૂચના આપી હતી. મતદાન મશીન જપ્ત કર્યા પછી સંખ્યાબંધ વિવાદ સામે આવે તેવી સંભાવના હતી. તે વિવાદોનો સામનો કરવા વકીલની નિમણૂંક કરવા કહેવાયું હતું. જોકે આ આદેશો પર કોઈના હસ્તાક્ષર નથી. આ પત્ર પણ કેપિટલ હિલ હિંસાની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિને જે ૭૫૦ દસ્તાવેજો સોંપવામાં આવ્યા તેનો ભાગ છે.