પૂર્વ મોડેલ એમીનો ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ

Wednesday 23rd September 2020 07:37 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત જાતીય સતામણી મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. એમી ડોરિસ નામની પૂર્વ મોડેલે તાજેતરમાં આરોપ લગાવ્યા છે કે, ૧૯૯૬માં એક ટેનિસ મેચ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે તેને બળજબરીથી ખેંચીને કિસ કરી હતી. ટ્રમ્પે આ આરોપો જોકે નકાર્યા છે.
એમીએ દાવો કર્યો છે કે, ૧૯૯૬માં યોજાયેલી એક ટેનિસ મેચમાં વીઆઈપી બોક્સમાં ટ્રમ્પે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. એમીએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ટ્રમ્પ સાથે મારો પરિચય મારા બોયફ્રેન્ડ જેસન બીને કરાવ્યો હતો. એ પછી અમે એક ટેનિસ મેચ દરમિયાન વીઆઈપી બોક્સમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા. અચાનક ટ્રમ્પે તેને નજીક ખેંચી હતી અને બળજબરીપૂર્વક કિસ કરી હતી. મેં ટ્રમ્પને દૂર હડસેલવાની કોશિશ કરી તો તેણે વધારે મજબૂતાઈથી મને પકડી રાખી હતી. એ પછી મેં ટ્રમ્પની જીભમાં બટકું ભર્યું હતું. ટ્રમ્પના વકીલોએ આ આરોપને નકારી દીધા હતા. ટ્રમ્પ વતી એક નિવેદનમાં કહેવાયું હતું કે આગામી ચૂંટણી પહેલાં બદનામ કરવા માટે રચાયેલા ષડયંત્રના ભાગરૂપે આ આરોપ લગાવાયો છે. એમાં કોઈ જ તથ્ય નથી. ટ્રમ્પના સમર્થકોએ બચાવમાં કહ્યું હતું કે જો ટ્રમ્પે વીઆઈપી બોક્સમાં એમી સાથે આવું કર્યું હોત તો ત્યાં બેસેલા લોકોએ પણ એ જોયું હોત, પરંતુ બીજા કોઈએ એવો દાવો કર્યો નથી. તેનો અર્થ એ થયો કે એ મહિલા જૂઠું બોલી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬ની ચૂંટણી વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અસંખ્ય મહિલાઓએ જાતીય સતામણી અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. એ વખતે પણ ટ્રમ્પે તમામ આરોપો નકારીને તેને ચૂંટણીમાં બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter