પૂર્વી પટેલને ૨૦ વર્ષની કેદ

યુએસમાં કન્યા ભ્રૂણહત્યા

Wednesday 08th April 2015 06:38 EDT
 
 

વોશિંગ્ટનઃ ગુજરાતી-અમેરિકન પૂર્વી પટેલને કન્યા ભ્રૂણહત્યાના કેસમાં દોષિત ઠરાવીને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવાઇ છે. ઈન્ડિયાનામાં સાઉથ બેન્ડના જજે ગત સપ્તાહે આ ચુકાદો આપ્યો હોવાનું પબ્લિક રેડિયો ઈન્ટરનેશનલ (પીઆરઆઈ) દ્વારા જણાવાયું હતું.
પૂર્વી પટેલે સજાના નિર્ણયની સામે અપીલ કરવાનો ઇન્કાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે જજ એલિઝાબેથ હર્લેએ તેને પોતાનો પક્ષ રજૂ કરવાનું કહ્યું હતું, પરંતુ તે ચૂપ રહ્યાં હતાં. પૂર્વી પટેલ ભારતીય મૂળની પ્રથમ મહિલા છે જેના પર કન્યા ભ્રૂણહત્યાનો કેસ સાબિત થયો છે.
અલબત્ત, ભારતીય-અમેરિકન સમુદાયમાં એવી લાગણી પ્રવર્તે છે કે આ કેસમાં કંઇક કાચું કપાયું છે. પૂર્વી પટેલને થયેલી સજા દર્શાવે છે કે સગર્ભા મહિલાઓની સુરક્ષા માટે બનાવાયેલા કાયદાનો પ્રોસિક્યુટર્સ ભ્રૂણહત્યા રોકવાના બદલે મહિલાઓને ગુનેગાર સાબિત કરવા માટે કેવો દુરુપયોગ કરે છે તે દર્શાવે છે. પૂર્વી પટેલની સજાએ અમેરિકામાં કાયદામાં રહેલી સજાની જોગવાઇ અંગે ચર્ચા શરૂ થઇ છે.
પૂર્વી પટેલે ભલે જજ સમક્ષ સુનાવણી વેળા બચાવમાં કંઇ કહ્યું ન હોય, પણ તેમના વકીલ સજાના ચુકાદાને પડકારવાના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સુનાવણી દરમિયાન જજે બચાવ પક્ષના વકીલ દ્વારા થયેલી તમામ દલીલો ફગાવી દીધી હતી અને ઇન્ડિયાનાના પ્રોસિક્યુટરની દલીલ મંજૂર કરીને પૂર્વીને સજા કરી છે.
અહેવાલ અનુસાર, માતા-પિતા સાથે ભારતથી અમેરિકા આવીને વસેલા ૩૩ વર્ષીય પૂર્વી પટેલ ઈન્ડિયાનામાં ગ્રેન્જર ખાતે રહે છે. જુલાઈ ૨૦૧૩માં પૂર્વી પટેલ સેન્ટ જોસેફ રિજિયોનલ મેડિકલ સેન્ટરના ઈમર્જન્સી રૂમમાં એડમિટ થયાં હતાં. તેમને ખૂબ બ્લીડીંગ થઈ રહ્યું હતું. આ સમયે તબીબોને જણાયું હતું કે તેમને ગર્ભપાત થયો છે. પૂર્વી પટેલે કબૂલ્યું હતું કે તેણે ભ્રૂણને તેના માતા-પિતાની માલિકીના રેસ્ટોરાં મોઝ સાઉથવેસ્ટ ગ્રિલની બહાર કચરાપેટીમાં ફેંક્યું હતું.
બાદમાં પોલીસે પૂર્વી પટેલની પૂછપરછ કરી હતી અને તે સારવાર માટે હોસ્પિટલમાં હતા તે સમયે મોબાઈલની તપાસ કરી હતી. મોબાઇલ જોવા મળેલા અનેક ટેક્સ્ટ મેસેજીસના આધારે ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે પૂર્વીએ ગેરકાયદે ગર્ભપાત કર્યો હતો.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે એ ટેક્સ્ટ મેસેજીસમાં જણાયું હતું કે પૂર્વી પટેલે ગર્ભપાત માટેની દવાઓનો ઓનલાઈન ઓર્ડર પણ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter