પેન્સિલ્વેનિયામાં 24 વર્ષની ભારતીય યુવતીનું કાર દુર્ઘટનામાં મોત

Friday 29th March 2024 12:46 EDT
 
 

ન્યૂ યોર્ક: અમેરિકામાં ભારતીય મૂળની 24 વર્ષની એક યુવતીનું કાર અકસ્માતમાં મોત થયું છે. ન્યૂ યોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે પેન્સિલ્વેનિયામાં ગત 21 માર્ચે સર્જાયેલી કાર દુર્ઘટનામાં ભારતીય મૂળની અર્શિયા જોશીનું મોત થયું છે. કોન્સ્યુલેટે અર્શિયાના પરિવાર પ્રત્યે ભારે સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ અર્શિયાના પરિવાર તેમજ સ્થાનિક ભારતીય આગેવાનો સાથે સતત સંપર્કમાં છે. કોન્સ્યુલેટે અર્શિયાનો નશ્વર દેહ ભારત પરત મોકલવા તેનાથી બનતી તમામ મદદની ખાતરી આપી છે. અર્શિયાએ ગત વર્ષે તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. સ્વૈચ્છિક સંગઠન TEAM Aid દ્વારા જણાવાયું હતું કે તે અર્શિયાનો નશ્વર દેહ દિલ્હી તેના પરિવારને મોકલવામાં મદદ કરી રહ્યો છે.
આ વર્ષે 8 ભારતીય સ્ટુડન્ટનાં મોત
વર્ષ 2024માં અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય મૂળના 8 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ મહિને જ વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્ટુડન્ટ અને કુચિપુડી ડાન્સર અમરનાથ ઘોષને ગોળી મારી દેવાઈ હતી. ગત પાંચ ફેબ્રુઆરીએ ભારતીય મૂળના સ્ટુડન્ટ સમીર કામથનું ઇન્ડિયાનામાંથી શબ મળી આવ્યું હતું. જાન્યુઆરીમાં ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસના સ્ટુડન્ટ શ્રેયસ રેડ્ડીનું શબ મળી આવ્યું હતું. જાન્યુઆરીમાં જ પડ્યું યુનિવર્સિટીનો સ્ટુડન્ટ નીલ આચાર્યના મોતની પુષ્ટિ કરાઇ હતી. ફેબ્રુઆરીમાં અકુલ ધવન અને ગત 18 માર્ચે ભારતીય મૂળના સ્ટુડન્ટ અભિજીત પારુચુરુના મોતના સમાચાર આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter