વોશિંગ્ટનઃ દેશમાંથી કાયદેસરના વસાહતીઓને હાંકી કાઢવા માટે પ્રમુખ ટ્રમ્પની નીતિઓનું ઉપપ્રમુખ જે.ડી. વેન્સે સમર્થન કરવાની સાથે તેમાં ધર્મનું રાજકારણ સંડોવતા વિવાદ સર્જાયો છે. વેન્સે H-1B વિઝા પ્રોગ્રામ પર ટ્રમ્પ સરકારની નીતિનો બચાવ કરતા કહ્યું કે, વિદેશી કર્મચારીઓની ભરતીને મર્યાદિત કરી પોતાના લોકોને નોકરી આપવી એ ‘સાચું ખ્રિસ્તી રાજકારણ’ છે. પ્રમુખ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓની સાથે કાયદેસરના વસાહતીઓને પણ જાણે અમેરિકામાંથી હાંકી કાઢવાનું અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે અમેરિકામાં કુશળ કામદારોની ભરતી માટેના H-1B પ્રોગ્રામ પર આકરા નિયંત્રણો મૂક્યા છે. પ્રમુખ ટ્રમ્પની નીતિઓનું સમર્થન કરતા ઉપપ્રમુખ વેન્સે એક કાર્યક્રમમાં કહ્યું કે, ખ્રિસ્તી મૂલ્યોને માત્ર સામાજિક મુદ્દા સુધી મર્યાદિત રાખવાના બદલે આ મૂલ્યોને સરકારના અર્થશાસ્ત્ર અને શ્રમ પ્રત્યે વ્યાપક દૃષ્ટિકોણમાં સામેલ કરવા જોઈએ. એક સાચા ખ્રિસ્તી રાજકારણમાં માત્ર બાળકો અથવા પરિવારની સુરક્ષાની સાથે આ બાબતો પણ મહત્વની છે. આ રાજકારણ ટ્રમ્પ કરી રહ્યા છે.


