પોલીસે જેનો હિજાબ કઢાવ્યો હતો તે મહિલાને રૂ. ૫૪ લાખનું વળતર

Thursday 17th August 2017 08:14 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના કેલિફોર્નિયાના લોન્ગ બીચમાં વર્ષ ૨૦૧૫માં પોલીસે એક મુસ્લિમ મહિલા ક્રિસ્ટી પોવેલની તેના પતિ સાથે લોરાઈડર વાહન ચલાવવા બદલ અટકાયત કરી હતી. બળજબરીપૂર્વક તેનો હિજાબ પણ કઢાવ્યો હતો. ૨૦૧૬માં ક્રિસ્ટીએ પોલીસ સામે કેસ કર્યો હતો કે, ૨૦૧૫માં પોલીસે તેના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. ક્રિસ્ટીના કહેવા મુજબ આ સમગ્ર ઘટના થઈ તે દરમિયાન તે સતત રડી રહી હતી. પોલીસના વ્યવહારથી તેના સન્માનને ઠેસ પહોંચી હતી. ક્રિસ્ટીએ કહ્યું હતું કે, તેની ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી. જ્યારે તેની અટકાયત થઈ ત્યારે તેના પતિએ પોલીસને વિનંતી કરી હતી કે કોઈ મહિલા અધિકારી દ્વારા તેની પત્નીની અટકાયત કરાય, પણ પોલીસે તેની વાત સાંભળી નહોતી. ક્રિસ્ટીને આખી રાત હિજાબ વગર જેલમાં રખાઈ હતી.

તેની હિજાબ વિનાની જ તસવીર લેવાઈ હતી. જે તેના માટે અત્યંત ત્રાસદાયક અનુભવ હતો. ક્રિસ્ટીની રજૂઆત બાદ સ્થાનિક કોર્ટે તે મહિલાને રૂ. ૫૪ લાખ ૪૭ હજારનું વળતર આપવાનો આદેશ કર્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter