વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૪ વર્ષના શાસનકાળમાં ૨૦,૦૦૦થી વધુ વાર જૂઠ્ઠું બોલ્યા છે. ફેક્ટ ચેક વેબસાઇટ પોલિટિફેક્ટના જણાવ્યા અનુસાર ૨૦૧૬થી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ૫૦ ટકાથી વધારે નિવેદનો જૂઠ્ઠાણું હતાં.
વોશિંગ્ટન પોસ્ટના ડેટાબેઝ અનુસાર ૨૦૧૬માં પ્રમુખપદ સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના જૂઠ્ઠાણામાં ઉત્તરોતર વધારો થતો ગયો હતો. ટ્રમ્પે ઓછામાં ઓછો ૪૦૭ વાર દાવો કર્યો હતો કે, તેમણે સૌથી મજબૂત અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે જ્યારે હકીકત એ છે કે અમેરિકાની મજબૂત અર્થવ્યવસ્થા આઇઝનહોવર, લિંડન બી. જોન્સન અને બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં રહી હતી. ટ્રમ્પે મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવાનો ૨૬૨ વાર ખોટો દાવો કર્યો હતો. ૨૦૧૬માં પ્રમુખ બનતાની સાથે જ ટ્રમ્પે મેક્સિકોની સરહદથી ગેરકાયદેસર ઘૂસણખોરોને પ્રવેશતા અટકાવવા સરહદ પર મોટી દીવાલ બનાવવાની જાહેરાત કરી હતી. દીવાલ ઝડપથી પૂરી થવાના ૨૬૨ વાર કરેલા દાવાની હકીકત એ છે કે હજુ એક જ કોંક્રિટની દીવાલ બનાવવાનું કામ શરૂ થયું છે અને પહેલેથી મોજૂદ તારની વાડના કેટલાક હિસ્સાને વધારાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરતા આવ્યા છે કે ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણીમાં તેમણે રશિયા સાથે કોઈ ગુપ્ત સમજૂતી કરી નથી. ટ્રમ્પ ૨૩૬ વાર આ પ્રકારનો દાવો કરી ચૂક્યા છે.
ટ્રમ્પે આજીવન નિયમો પાળવા પડશે
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ ભલે ગુમાવ્યું હોય, પણ તેમણે આખી જિંદગી કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. કેટલાક નિયમો તો એટલા કંટાળાજનક છે કે, બરાક ઓબામા સહિત કેટલાક ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સ એ બાબતે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સ પર સમગ્ર જીવન દરમિયાન ખતરો રહે છે. એટલે તમને આખી જિંદગી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સિક્રેટ સર્વિસના એજન્ટ્સ હંમેશા તેમની સાથે પડછાયાની જેમ રહે છે. તેઓ સૂમસામ રસ્તાઓ પર તો ડ્રાઇવ કરી શકે છે, પરંતુ જાહેર માર્ગો પર ડ્રાઇવિંગ ના કરી શકે. અમેરિકાના પ્રેસિડેન્ટ પદ પર રહેતી વખતે તો રાષ્ટ્રીય સુરક્ષાને સંબંધિત મુદ્દાઓ પર જાણકારી મળતી રહે છે, પરંતુ નિવૃત્તિ બાદ પણ આ પ્રક્રિયા ચાલુ રહે છે. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પાસેથી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે આજીવન સલાહ મેળવવામાં આવે છે.