વોશિંગ્ટનઃ ભારત અને ચીનના વ્યાવસાયિકોમાં અમેરિકાના જે એચ-1બી વિઝાની સૌથી વધુ માગ છે તેને ‘ગુલામીનું પ્રતીક’ ગણાવતા ભારતવંશી અમેરિકન રિપબ્લિકન વિવેક રામાસ્વામીએ કહ્યું છે જો તે પ્રમુખ બનશે તો એચ-1બી વિઝા કાર્યક્રમમાં લોટરી આધારિત સિસ્ટમ બંધ કરી દેશે.
યુએસમાં આ વખતે પ્રમુખપદની ચૂંટણી માટે સૌથી વધુ ચર્ચા હોય તો તે વિવેક રામાસ્વામીની છે. વિવેક રામાસ્વામી એફબીઆઈ જેવી સંસ્થાઓને બંધ કરવાનું ચોંકાવનારું નિવેદન કરી ચૂક્યા છે. હવે તેમણે ફરી એક વખત આંચકાજનક વાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ પ્રમુખપદની ચૂંટણી જીતી જશે તો એચ-1બી વિઝા કાર્યક્રમમાં લોટરી આધારિત વ્યવસ્થા બંધ કરી દેશે અને તેના સ્થાને મેરિટોક્રેટિક વ્યવસ્થા લાગુ કરશે.
એચ-1બી વિઝા ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. આ નોન-ઈમિગ્રન્ટ વિઝા અમેરિકન કંપનીઓને થીયોરેટિકલ અથવા ટેકનિકલ નિપુણતા માટે જરૂરી વિદેશી કર્મચારીને નોકરી પર રાખવા માટે સક્ષમ બનાવે છે. રામાસ્વામીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની ખુદની પૂર્વ કંપનીએ 29 વખત એચ-1બી વિઝા કાર્યક્રમનો ઉપયોગ કર્યો છે.
રામાસ્વામીનું કહેવું છે કે એચ-1બી વિઝામાં લોટરી સિસ્ટમને વાસ્તવિક મેરિટોક્રેટિક સિસ્ટમમાં બદલી નાંખવી જોઈએ. એચ-1બી વ્યવસ્થા માત્ર એચ-1બી ઈમિગ્રન્ટ સ્પોન્સર કરનારી કંપનીઓ માટે જ લાભદાયક છે. આ સિસ્ટમને અમેરિકામાં બંધ કરી દેવાની જરૂર છે અને મારામાં આ સિસ્ટમ બંધ કરી દેવાની હિંમત છે.