વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ જો બાઇડેન સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છે. આમ 2024નું વર્ષ ભારત-અમેરિકા સંબંધ માટે એક મોટું વર્ષ બનવા જઈ રહ્યું છે. સાઉથ અને સેન્ટ્રલ એશિયા માટેના અમેરિકી સહાયક વિદેશ પ્રધાન ડોનાલ્ડ લૂએ ઉપરોક્ત વાત કરી છે. તેમણે કહ્યું કે, ભારત હાલમાં જી-20નું નેતૃત્વ સંભાળી રહ્યું છે. વિશ્વની ભલાઈ માટે એક તાકાતના રૂપમાં ઊભા રહેવાની ભારતની ક્ષમતામાં તેથી વધારો થયો છે. ડોનાલ્ડ લૂએ ગુરુવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, વર્ષ 2024 એક મહત્ત્વનું વર્ષ બની રહેશે. સ્પષ્ટ છે કે ભારત જી-20નું નેતૃત્વ સંભાળી રહ્યું છે. જ્યારે અમેરિકા આ વર્ષે એપેક બેઠકનું યજમાન પદ સંભાળશે. જાપાન જી-7નું નેતૃત્વ સંભાળી રહ્યું છે. ચાર દેશોના બનેલા ‘ક્વાડ’ના સાથી સભ્યો નેતૃત્વની ભૂમિકામાં છે. આ તમામ બાબતો બન્ને દેશોને નજીક આવવાની તક પૂરી પાડે છે. તેમણે કહ્યું કે, ‘અમારા પ્રમુખ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે જવા ઉત્સુક છે. જી-20ના નેતાઓના શિખર સંમેલન માટે જો બાઇડેન પહેલી વાર ભારત જઈ રહ્યા છે. આવનારા કેટલાક મહિનાના ઘટનાક્રમને મુદ્દે અમે પણ સાચે જ ઉત્સુક છીએ.' માર્ચ મહિનામાં ભારતના વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે ક્વાડ સંગઠનના પોતાને સમકક્ષ પ્રધાનોની બેઠકનું યજમાનપદ સંભાળ્યું હતું.