વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ જો બાઈડેનની સુરક્ષામાં ભારે ચૂકનો કિસ્સો સામે આવ્યો છે. ડેલાવેર રેહોબોથ બીચ ખાતે બાઈડેનના ઘર નજીક શનિવારે એક નાનકડું વિમાન નો ફ્લાય ઝોનમાં ઘૂસી જતાં સુરક્ષા દળોમાં દોડધામ થઇ ગઇ હતી. સિક્રેટ સર્વિસે સાવધાનીના પગલાંરૂપે પ્રમુખ અને તેના પત્નીને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા. વ્હાઈટ હાઉસે જાણકારી આપતાં કહ્યું કે બાઈડેન અને તેમના પરિવારને કોઇ ખતરો નથી. નાનકડા વિમાને બાઇડેનના વેકેશન હોમ પરના નો ફ્લાય ઝોનનું ઉલ્લંઘન કર્યું હતું.
આ પછી શહેર પર બે ફાઇટર જેટ ઉડવા લાગ્યા હતા. અમેરિકી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન રાષ્ટ્રપતિની હવાઈ સુરક્ષા સંભાળે છે. નો ફ્લાય ઝોનમાંથી વિમાન ઉડતાં જ સિક્રેટ સર્વિસ સક્રિય થઈ ગઈ હતી. પ્રમુખ બાઇડેન અને તેના કાફલાને તેમના ઘરથી દૂર એક ફાયર સ્ટેશનની ઇમારતમાં ખસેડવામાં આવ્યા હતા. આ અફડાતફડી દરમિયાન રેહોબોથ બીચ પર ટ્રાફિક 20 મિનિટ સુધી બંધ રહ્યો હતો.