પ્રેરણા ઈનિશિયેટિવઃ ભારતના વંચિત બાળકોને મદદનો પ્રોજેક્ટ

Wednesday 14th April 2021 02:23 EDT
 
 

કેલિફોર્નિયાઃ ભારતીય અમેરિકન વિદ્યાર્થીનીઓના નેતૃત્વ હેઠળ સાઉથ કેલિફોર્નિયાના સાન ડિયેગોની વેસ્ટવ્યૂ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતના વંચિત બાળકોને મદદ કરવાના ઉદેશથી પ્રેરણા ઈનિશિયેટિવ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનું સંચાલન ભારતમાં નાની વયમાં બાળકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની સાક્ષી રહેલી ચાર ભારતીય અમેરિકન વિદ્યાર્થિનીઓ કાવ્યા ગુપ્તા, અનીકા યાદવ, અનન્યા ભારદ્વાજ અને નિત્યા નાયક સંભાળે છે.

ઓનલાઈન પ્લેટફોર્મના ઉપયોગ સાથે પ્રેરણા ઈનિશિયેટિવને વંચિત બાળકો અને ટીનેજર્સને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, સેનિટેશન/હાઈજીન અને ન્યૂટ્રિશનના મહત્ત્વ વિશે માહિતગાર કરવાની આશા હોવાનું આ નોનપ્રોફિટ પહેલની વેબસાઈટમાં જણાવાયું છે. પ્રેરણા ઈનિશિયેટિવને તેના અગાઉના અભિયાનો કરતાં વધુ સફળતા મળી રહી હોવાનો દાવો છે.

તેઓ લોકોનું જીવન સુધારવામાં મદદરૂપ થાય તેવા ઘણાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તેમાં થઈ રહેલી પ્રગતિનું તેમન ગર્વ છે.

ભારતમાં છ વર્ષથી નીચેની વયના ૧૯.૮ મિલિયન બાળકો વંચિત છે. પ્રેરણા ઈનિશિયેટિવનું માનવું છે કે તેમના માટે વધુ તકો ઉભી કરવા અને તેમને શિક્ષિત કરવાનું કાર્ય સરળ નથી પરંતુ, સહયોગ અને કોમ્યુનિટીના સશક્તિકરણ દ્વારા આ ક્ષેત્રે પ્રગતિ થઈ શકે તેમ છે.

કાવ્યા ગુપ્તા જે સંસ્કૃતિમાં ઉછરી છે તેને કશુંક પાછું આપવા માગે છે. તેથી તેણે અને તેના મિત્રોએ આ ઈનિશિયેટિવ હાથ ધર્યો છે. પ્રેરણા ઈનિશિયેટિવનું જરૂરતમંદો સુધી પહોંચવા અને પોતાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે ભાગીદારી કરવા ઈચ્છતી સંસ્થાઓને આમંત્રણ છે. રસ ધરાવતી વ્યક્તિ કે સંસ્થાઓને [email protected] પર સંપર્ક માટે જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter