પ્રો.ગૌરવ સંતની UCLA ટીમને $૭.૫ મિલિયનનું ગ્રાન્ડ પ્રાઈઝ

Wednesday 04th August 2021 02:30 EDT
 
 

ન્યૂ યોર્કઃ ભારતીય અમેરિકન પ્રોફેસર ગૌરવ સંતના નેતૃત્વ હેઠળના એન્જિનિયરોની ટીમ NRG COSIA Carbon XPRIZE વૈશ્વિક સ્પર્ધામાં ગ્રાન્ડ પ્રાઈઝ જીતનારી પ્રથમ યુનિવર્સિટી ટીમ બની હતી. યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું કે ટીમે કરેલી શોધ ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈમાં એક મહત્ત્વનું પગલું બની રહેશે.  
UCLA સેમ્યુએલી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં સિવિલ અને એન્વાયર્નમન્ટલ એન્જિનિયરિંગના પ્રોફેસર સંતના નેતૃત્વ હેઠળની UCLA કાર્બનબિલ્ટ ટીમે કોલસાના દહન દ્વારા વીજ ઉત્પાદન સંબંધિત ટેક્નોલોજી શોધવા માટે $ ૭.૫ મિલિયનનું ગ્રાન્ડ પ્રાઈઝ જીત્યું હતું.  
આ ટેક્નોલોજી તેના પ્રકારની પ્રથમ અને ઈકો ફ્રેન્ડલી અભિગમ સાથેની છે. આ ટેક્નોલોજી પાવર પ્લાન્ટ્સ અને અન્ય ઔધૌગિક એકમોમાંથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન હવામાં જાય તેને બદલે સીધું જ મેળવી લેવાની છે. તેને ટીમ દ્વારા શોધાયેલા અલગ પ્રકારના કોન્ક્રિટમાં દાખલ કરી દેવાશે.  
આ કોન્ક્રિટ સખત થતાં તાકાત મેળવે છે અને ખાસ બનેલું આ કોન્ક્રિટ કાયમ ગ્રીનહાઉસ ગેસ શોષી લે છે.
UCLA ખાતે વિસ્તૃત સંશોધન અને વ્યોમિંગના  જીલેટ બહાર ઈન્ટિગ્રેટેડ ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટીંગ દ્વારા સંશોધકોએ કોંક્રિટ બનાવતી વખતે તેમની પ્રોસેસથી કોંક્રિટની કાર્બન ફૂટપ્રિન્ટ ૫૦ ટકા કરતાં પણ વધુ ઘટે છે તેનું નિદર્શન કર્યું હતું. આ કોંક્રિટ પરંપરાગત મટિરિયલ દ્વારા ઉત્પાદિત થતાં કોંક્રિટ જેટલો જ મજબૂત અને ટકાઉ હતો.  
દરેક કાર્બનબિલ્ટ કોન્ક્રિટ બ્લોકમાં પોણો પાઉન્ડ જેટલો કાર્બન ડાયોક્સાઈડ સંગ્રહ થયો હોય છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં વાર્ષિક અંદાજે એક ટ્રિલિયન કોન્ક્રિટ બ્લોકનું ઉત્પાદન થશે તેમ રિપોર્ટમાં જણાવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter