ફોર્સ્ડ લેબર બદલ શીખ દંપતી પર તોળાઇ રહી છે આકરી સજા

Sunday 04th February 2024 12:11 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના શીખ દંપતી પર ફોર્સ્ડ લેબરના કેસમાં 20 વર્ષની જેલ અને આકરા દંડની સજા તોળાઇ રહી છે. આ ભારતીય દંપતી તેમના સ્ટોર પર તેમના જ કઝીનને નિયત સમય કરતાં વધુ કલાકો કામ કરવાની ફરજ પાડવા બદલ, તેના પર શારીરિક અત્યાચાર ગુજારીને ધમકી આપવા બદલ તેમજ ઈમિગ્રેશન દસ્તાવેજો ગેરકાયદે જપ્ત કરવાના ગુનામાં દોષિત ઠર્યા છે.
43 વર્ષના કુલબીર અને 30 વર્ષની હરમનપ્રીત પર તેમના કઝિનને નોર્થ ચેસ્ટરફિલ્ડના કન્વીનિયન્સ સ્ટોર ખાતે ઓછા વેતનમાં વધુ કામ કરવાની ફરજ પાડવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, એમ ન્યાય વિભાગે જણાવ્યું હતું. કોર્ટ રેકોર્ડ મુજબ પીડિત અમેરિકામાં 2018માં આવ્યો ત્યારે સગીર હતો. દંપતીએ તેને સ્કૂલમાં ભણાવવાનું વચન આપ્યું હતું, પણ તેના આવ્યા પછી શીખ દંપતીએ સગીરના ઇમિગ્રેશન દસ્તાવેજ લઈ લીધા હતા અને તેને સ્ટોરમાં કામ પર લગાવી દીધો હતો એમ સરકારી વકીલે જણાવ્યું હતું.
પીડિતને દિવસોના દિવસો સુધી સ્ટોરની અંદર જ સૂવાની ફરજ પાડવામાં આવતી હતી. તેને પૂરતું ભોજન પણ આપવામાં આવતું નહોતું. દંપતીએ તેની ભારત પરત ફરવાની વિનંતી પણ ફગાવી દીધી હતી અને તેને નિયત વિઝા મુદત કરતા વધુ રહેવાની ફરજ પાડી હતી. આ ઉપરાંત સગીરે જ્યારે તેના ઇમિગ્રેશન દસ્તાવેજો લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે કુલબીર સિંઘે તેને લાત મારી હતી. કુલબીરે કેટલીય વખત તેને બંદૂક દેખાડીને ધમકી આપી હતી. દંપતીએ આ ગુના બદલ મહત્તમ 20 વર્ષની સજા અને અઢી લાખ ડોલરનો દંડ સહન કરવો પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter