વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા પાયે લોન લીધી હતી. તેમાં વિશ્વના સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપ બ્લેકરોકની ખાનગી - લોન રોકાણ શાખા એચપીએસ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ તેમજ અન્ય ધિરાણદારોને નિશાન બનાવાયા હતા. બ્લેકરોક અનુસાર લોનની રકમ ભારત અને મોરેશિયસના વિદેશી ખાતામાં સ્થાનાંતરિત કરાઈ છે.
બંકિમ બ્રહ્મભટ્ટની કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિઝવોઇસે આવી લોન માટે એવા રેવન્યૂ સોર્સને ગિરવે રાખ્યા, જે વાસ્તવમાં હતા જ નહીં. ઓગસ્ટમાં ધિરાણદારોએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એચપીએસે સૌથી પહેલા સપ્ટેમ્બર 2020માં તેમની એક કંપનીને લોન આપી હતી. ત્યારબાદ આ રકમ વધતી ગઇ હતી.
વર્ષ 2021ની શરૂઆતમાં 385 મિલિયન ડોલર અને ઓગસ્ટ 2024 સુધી 430 મિલિયન ડોલર સુધી રકમ પહોંચી હતી. દરમિયાન, કંપનીઓએ ગત 12 ઓગસ્ટના રોજ ચેપ્ટર 11 હેઠળ નાદારી નોંધાવી હતી. એ જ દિવસે બંકિમ બ્રહ્મભટે પોતે પણ વ્યક્તિગત નાદારી નોંધાવી હતી. તે હેઠળ કંપનીઓને ફરીથી સંગઠિત થઈને સંચાલન જારી રાખવાની અનુમતિ મળે છે, જેથી તેઓ દેવું ચુકવવાની યોજના બનાવી શકે.
ગાંધીનગરમાં જન્મ
બંકિમ બ્રહ્મભટ્ટનો જન્મ ગુજરાતના ગાંધીનગરમાં થયો હતો. તેઓ બંકાઈ જૂથના સંસ્થાપક છે તેમજ ત્રણ દાયકાથી ટેલીકોમ ક્ષેત્રમાં સક્રિય છે. તેમની કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ તેમજ બ્રિઝવોઇસ અન્ય ટેલિકોમ કંપનીઓને સેવા તેમજ અન્ય મૂળભૂત માળખું વેચે છે.


