બાઇડેન સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ ઇમિગ્રન્ટ વર્ક પરમિટ 18 મહિના લંબાવી

Sunday 22nd May 2022 07:02 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં રહીને કામ કરતા ભારતીયો માટે બાઇડેન તંત્રે રાહતરૂપ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે. બાઇડેન તંત્રે ગ્રીન
કાર્ડ ઇચ્છી રહ્યા હોય તેવા લોકો તેમજ એચ-1બી વિઝા હોલ્ડર્સના જીવનસાથી કે જેમણે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ (ઇએસી) મેળવી લીધું હોય તેમના સહિત ઈમિગ્રન્ટ્સની વિવિધ કેટેગરીઝ માટે પૂરી થઇ રહેલી વર્ક પરમિટને 18 મહિના માટે આપોઆપ લંબાવી આપવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે. નોંધનીય છે કે આ એક્સ્ટેન્શન પિરિયડ હાલમાં 180 દિવસનો છે તે ઇએસીની મુદત પૂરી થવાની તારીખથી આપોઆપ 540 દિવસનો થઇ જશે અને તેનો અમલ ગયા બુધવારથી જ શરૂ થઇ ગયો છે તેમ હોમલેન્ડ સિક્યોરિટીએ જણાવ્યું હતું.
રોજગારી બચશે, કંપનીઓને પણ ફાયદો
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના ડિરેક્ટરે જણાવ્યું હતું કે પડતર ઇએસી કેસ લોડને હલ કરવા માટે USCIS કામ કરી રહ્યું છે ત્યારે એજન્સીને લાગે છે કે હાલમાં જે 180 દિવસનો એક્સ્ટેન્શન પિરિયડ અપાયો છે તે અપૂરતો છે. આ કામચલાઉ કાયદો તે નોન-સિટિઝન્સ, ઓટોમેટિક એક્સ્ટેન્શન માટે પાત્રતા ધરાવતા લોકોને તેમની રોજગારી જાળવી રાખવાની તક આપશે અને તેમના પરિવારોને નિર્ણાયક ટેકો મળી રહેશે, સાથે અમેરિકન કંપનીઓ માટે વધારે વિક્ષેપ પણ ટાળી શકાશે.
87 હજાર ભારતીયને તત્કાળ ફાયદો
યુએસ સરકારના આ નિર્ણયથી તત્કાળ આશરે 87 હજાર ઇમિગ્રન્ટ્સને મદદ મળશે કે જેમનું વર્ક ઓથોરાઇઝેશન લેપ્સ થઇ ગયું છે અથવા તો આગામી 30 દિવસમાં લેપ્સ થઇ શકે છે. સરકારના અંદાજ અનુસાર આ પગલાથી સમગ્રતયા આશરે 4.20 લાખ ઇમિગ્રન્ટ્સની રિન્યૂઅલ વર્ક પરમિટ પ્રોટેક્ટ થશે જેથી તેમની નોકરી બચી જશે. USCIS અનુસાર પડતર ઇએસી રિન્યુઅલ અરજી સાથેના નોન-સિટિઝન્સ કે જેનો 180 દિવસનો એક્સ્ટેન્શન પિરિયડ પૂરો થયો છે અને જેમની ઇએસી લેપ્સ થઇ ગઇ છે તેમને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન અને વેલિડિટીનો વધારાનો સમયગાળો ગ્રાન્ટ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter