વોશિંગ્ટનઃ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલા જો બાઇડેને તેમના વહીવટી તંત્ર અને બજેટની ઓફિસના ડાયરેકટર તરીકે ભારતીય મૂળના નીરા ટંડનના નામની જાહેરાત કરી હતી.
ડેમોક્રેટિક વહીવટી તંત્રના ખર્ચ અને બજેટ પર નજર રાખતા આ વિભાગમાં વડા તરીકે પસંદગી પામનાર નીરા ટંડન કેબિનેટમાં પોઝિશન મેળવનાર પ્રથમ ભારતીય અમેરિકન છે. હાલમાં તેઓ એક થીંક ટેન્ક સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના વડા તરીકે કામ કરે છે અને જેનેટ યેલેનને નાણા પ્રધાન તરીકે જાહેર કરાય ત્યારે તેમની સાથે નીરાના નામની પણ જાહેરાતની શક્યતા છે.
રવિવારે પોતાના કુતરા સાથે રમતી વખતે ઘાયલ થયેલા બાઇડેને પહેલી જ વખત વ્હાઇટ હાઉસની તમામ મહિલાઓની પ્રેસ ટીમની જાહેરાત કરી હતી. જેન પ્સાકી પ્રેસ ટીમના સૌથી જાણીતા ચહેરા છે. તેઓ ઓબામા વહીવટી તંત્રના અનુભવી છે. વ્હાઇટ હાઉસનું રિપોર્ટિંગ કરનાર મોટા ભાગના પત્રકારોને તેઓ ઓળખે છે તેમજ સન્માન ધરાવે છે.
કેબિનેટમાં સ્થાન મેળવનાર એન્ય બે ભારતીય અમેરિકનો પણ લાઇનમાં છે. પૂર્વ સર્જન જનરલ અને ફિઝીશિયન વિવેક મૂર્તિ આરોગ્ય અને માનવીય સેવાના વડા બનવાના ઉમેદવાર છે. ઉપરાંત ન્યુ મેક્સિકોના હસ્પેનિક ગવર્નર મિશેલ લુજાન ગ્રીશમ અને બરાક ઓબામા વહીવટી તંત્રના નેશનલ ઇકોનોમિક ડાયરેકટર જેફ્રી ડી ઝિએન્ટસ પણ બિડેન કેબિનેટમાં સ્થાન મેળવવાના ઉમેદવાર છે. એક અન્ય ભારતીય અમેરિકન અરુણ મઝુમદાર પણ ઊર્જા પ્રધાન બનવાની હોડમાં છે. તેઓ અગાઉ ઓબામા વહીવટી તંત્રમાં કામ કરી ચૂક્યા હતા.