વોશિંગ્ટન: અમેરિકાના વ્હાઇટ હાઉસમાં રવિવારે મોડી રાત્રે ગુપ્તચર એજન્સીઓની રૂટિન ચકાસણી દરમિયાન શંકાસ્પદ સફેદ પાઉડર મળી આવતાં હલચલ મચી ગઇ છે. અધિકારીઓએ તત્કાળ વ્હાઇટ હાઉસને સીલ કરી દીધું હતું અને સઘન ચકાસણી શરૂ કરી હતી. શરૂઆતની ચકાસણીમાં જાણકારી મળી હતી કે આ પાઉડર કોકેન છે. જોકે વ્હાઇટ હાઉસમાં આ ઘટના સર્જાઇ ત્યારે પ્રેસિડેન્ટ જો બાઇડેન ભવનમાં હાજર ન હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાઉડર વ્હાઇટ હાઉસની પશ્ચિમ વિંગમાંથી મળી આવ્યો હતો. જોકે એજન્સીઓ દ્વારા વધારે માહિતી જાહેર કરાઇ નથી. નોંધનીય છે કે પશ્ચિમ વિંગ એ કાર્યકારી હવેલી સાથે સંકળાયેલી છે જ્યાં પ્રેસિડેન્ટ બાઇડેન રહે છે. તેમાં ઓવલ કાર્યાલય, કેબિનેટ કચેરી અને પ્રેસ બોક્સ ઉપરાંત પ્રેસિડેન્ટના કર્મચારીઓ માટેનું કાર્યાલય તથા કાર્યક્ષેત્ર છે. સેંકડો લોકો નિયમિત રૂપથી વેસ્ટ વિંગમાં કામ કરે છે અને આવ-જા કરે છે.