વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડેને કરેલાં તમામ એક્ઝિક્યુટિવ ઓર્ડર રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યાં અનુસાર ભૂતપૂર્વ પ્રમુખે જેટલા પણ આદેશ કર્યા હતા તે તમામ ઉપર તેમણે ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હોવાથી કાનૂની રીતે તે આદેશને માન્ય ગણી શકાય નહીં. ટ્રમ્પની આ જાહેરાતથી અમેરિકામાં હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર ટ્રમ્પે મૂકેલી એક લાંબી પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખના કેટલાંક વિવાદાસ્પદ આદેશને રદ કરાશે. પોતાની પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે બાઈડેને કરેલાં તમામ આદેશ પૈકી 92 ટકા આદેશ ઉપર ઓટોપેન ઓપરેટર દ્વારા હસ્તાક્ષર કરાયા હતા, વાસ્તવમાં આ તમામ આદેશ પર તેમણે જાતે આદેશ કરવા જોઈતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહોતું. અમેરિકાના પ્રમુખ વિશેષ સત્તા ના આપે ત્યાં સુધી ઓટોપેન દ્વારા કરાયેલા આદેશ કાનૂની રીતે માન્ય ગણી શકાય નહીં એમ ટ્રમ્પે ઉમેર્યું હતું.
ઉંઘતા ઉંઘતા બાઈડેને કરેલો કોઈપણ આદેશ આજની તારીખથી રદ કરવામાં આવે છે એમ તેમણે પોતાની પોસ્ટમાં લખતા ઉમેર્યું હતું કે જે કોઈ એવો દાવો કરશે કે ‘ભૂતપૂર્વ પ્રમુખ બાઈડેને ઓટોપેનના હસ્તાક્ષર માન્ય રાખ્યા હતા' તેની સામે ખોટી જુબાનીનો આરોપ મૂકીને કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે.
ઓટોપેનઃ એક રોબોટિક સાધન
ઓટોપેન એ અમેરિકામાં 183માં પેટન્ટ કરાવાયેલ એક રોબોટિક ઉપકરણ છે જે વાસ્તવિક સ્યાહીનો ઉપયોગ કરીને વ્યક્તિના હસ્તાક્ષરોની નકલ કરે છે. અમેરિકાના પ્રમુખો દ્વારા દાયકાઓથી આ ઓટોમેટિક હસ્તાક્ષર મશીનનો ઉપયોગ કરાય છે. ઓટોપેનનો ઉપયોગ ઘણીવાર જથ્થાબંધ દસ્તાવેજો કે પેપર્સ પર હસ્તાક્ષર કરવા માટે થાય છે. અમેરિકન ન્યાય વિભાગની 2006ની માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રપતિ જે બિલને કાયદો બનાવવા માટે મંજૂરી આપે અને તેની પર સહીં કરવાનું નક્કી કરે છે તેના પર જાતે હસ્તાક્ષર કરવા જરૂર નથી. તેના બદલે પ્રમુખ તેમની હાથ નીચેના અધિકારીને ઓટોપેન કે અન્ય ઉપકરણની મદદથી રાષ્ટ્રપતિની સહી કરવાનો નિર્દેશ આપી શકે છે.


