સ્પ્રિંગફિલ્ડઃ નવલી નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હિન્દુ મંદિર પર હુમલો કરીને નરસંહાર આચરવાનું ષડયંત્ર ઘડનાર ટીનેજરની પોલીસે ધરપકડ કરી છે. 19 વર્ષીય અલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ પર આરોપ છે કે તે 11 ઓક્ટોબરે ભારતવંશી સમુદાયના લોકોની સામૂહિક હત્યા કરવા માંગતો હતો. આરોપી યુવકને 14 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેના પર આતંકવાદી ધમકી આપવાનો અને ગેરકાયદે શસ્ત્રો રાખવાનો આરોપ મૂકાયો છે. તપાસ દરમિયાન તેના ઘરમાંથી પોલીસને આઠ પાનાનો પત્ર મળ્યો હતો, જેમાં તેણે ભારતીયો અને લઘુમતીઓને નફરત કરતો હોવાનું લખ્યું હતું. તેણે વધુમાં વધુ લઘુમતીઓને ઠાર મારવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. આરોપી ટીનેજર મિત્રોને મેસેજ કરીને ભારતીયો વિરૂદ્ધ ઝેર ઓકતો હતો. શ્વેત સુપ્રીમસીથી પીડિત આ ટીનેજરે શ્વેત નાગરિકો સિવાય તમામ સામે પત્રમાં તેણે ઝેર ઓક્યું હતું.
પાપોરાકિસ શિકાગો નજીક ઓરોરામાં આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી (બાલાજી) મંદિરે પહોંચ્યો હતો. આ મંદિરમાં રજાના દિવસે 3,000થી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પાપોરાકિસ નરસંહાર આચરવાના બદઇરાદા સાથે રાઇફલ અને સેંકડો કારતૂસ લઈને મંદિરે તો પહોંચ્યો હતો, પરંતુ રાઇફલ જામ થઈ જવાને કારણે તેણે ત્યાંથી ભાગવું પડયું હતું. ઘરે પાછા ફર્યા પછી પાપોરાકિસે તેના એક મિત્રને મેસેજ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેણે હથિયારના ફોટોગ્રાફ્સની સાથે તેનો પોતાનો એક ફોટો પણ મોકલ્યો હતો. આરોપીનો મેસેજ જોઈને તેના મિત્રએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીના નિવાસસ્થાને પહોંચી ગઇ હતી અને તેની પરપકડ કરી હતી.
પોલીસને તપાસ દરમિયાન તેના ઘરમાં એક જેકેટ પર એવું ચિહ્ન પણ મળી આવ્યું હતું, જે ગૌર વર્ણની જાતિને અન્ય કરતા શ્રેષ્ઠ માનનારા ચરમપંથીઓ સાથે જોડાયેલું છે. એટલું જ નહીં, આરોપી તેના સહકર્મીઓ સમક્ષ ભારતીયોને મારી નાખવાની વાતો પણ કરતો હતો. તેણે મિત્રોને એમ પણ કહ્યું હતું કે 11 ઓક્ટોબરનો દિવસ ખાસ રહેવાનો છે.
ભારતવંશીઓનો નરસંહાર આચરવાના ષડયંત્ર અંગે ભારતના વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ કાવતરામાં હિન્દુઓ અને ભારતીય મૂળના લોકોને નિશાનો બનાવવાની વાત અત્યંત ચિંતાજનક છે. ભારતે અમેરિકી અધિકારીઓ પાસે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની અને ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
હિન્દુવિરોધી વલણ ચિંતાજનક
હિન્દુ મંદિરમાં માસ શૂટિંગના ષંડયંત્રના અહેવાલ સંદર્ભે અમેરિકી સાંસદોના એક જૂથને આઘાતની લાગણી વ્યક્ત કરતાં હિન્દુવિરોધી નફરત હિંસામાં ફેરવાઈ જવા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સેનેટર ચક શુમર, જોહ્ન કોર્નીન અને જેકી રોસને કાવતરું નિષ્ફળ બનાવવા બદલ પોલીસની સમયસૂચકતાના વખાણ કર્યા હતા. ન્યૂયોર્કથી ડેમોક્રેટિક સાંસદ શુમરે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી વલણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે અને હવે આપણે નફરતને હિંસામાં ફેરવાતી જોઈ રહ્યા છીએ. અમેરિકામાં કોઈ પણ સમાજ પ્રત્યે કટ્ટરવાદી અભિગમ અસ્વીકાર્ય છે અને અમેરિકામાં દરેક ધર્મ-જાતિની વ્યક્તિ પોતાની આસ્થાનું પાલન કરી શકશે, તે સુનિશ્ચિત કરવા હું કટિબદ્ધ છું.
ધ કોંગ્રેશનલ એશિયન પેસિફિક અમેરિકન કોકસ (CAPAC) અને નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ADL દ્વારા પણ વિવિધ આસ્થા ધરાવતા મકાનોને નિશાન બનાવતી નફરત સામે ચિંતા વ્યક્ત કરાઇ છે. સાંસદ સુહાસ સુબ્રમણિયમ, ગ્રેસ મેન્ગ, જુડી ચુ સહિતના સાંસદોએ સહી કરેલા નિવેદનને CAPAC દ્વારા જારી કરાયું હતું. જેમાં જણાવ્યું હતું કે, પોતાના ધર્મને સર્વોચ્ચ માનવાની માનસિકતા અમારા સમાજ અને પ્રાર્થના ઘરો માટે ખરું જોખમ છે અને તેને એકલ-દોકલ ઘટના સમજી અવગણી શકાય નહીં. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ જગ્યા નથી. દરેક અમેરિકન કોઈપણ ચિંતા વગર મુક્ત રીતે ભક્તિ કરવા સ્વતંત્ર છે. એક્સ પ્લેટફોર્મ પર છેલ્લા બે વર્ષમાં દક્ષિણ એશિયનો વિરોધની હેટ સ્પીચ 240 ટકા વધી ગઈ છે. કેટલાક પ્રભાવશાળી લોકો વંશીય ઉશ્કેરણી ફેલાવે છે અને કટ્ટરતાને મુખ્ય પ્રવાહમાં લાવવા પ્રયાસ થઈ રહ્યા છે.


