લંડનઃ બિલ ગેટ્સ ૧૯૯૦ના દાયકામાં વિશ્વના સૌથી નાની વયના અબજોપતિ બન્યા તે પછી તરત તેમના જીવન પર બે પુસ્તક લખી ચૂકેલા લેખક જેમ્સ વોલેસનું કહેવું છે કે બિલ અપરીણિત હતા ત્યારે સ્ટ્રિપર્સ સાથે નેકેડ પાર્ટી કરતા હતા.
૭૪ વર્ષના વોલેસે જણાવ્યું હતું કે ટેક ફાઉન્ડર બન્યા ત્યારે બિલ ગેટ્સ કોઇ શરમાળ યુવાન નહોતા. તે સમયે માઇક્રોસોફટમાં કામ કરતા સંખ્યાબંધ યુવાનો તે સમયે પિઝાથી ખરડાયેલા ટી શર્ટ સાથે કોઇક સોફ્ટવેર કોડ પર સતત ત્રણ દિવસ કામ કરતા રહેતા હતા. પરંતુ તે પછી વાઇલ્ડ પાર્ટી પણ કરતા હતા. ક્યારેક તેઓ ન્યૂડ પાર્ટીમાં જતા હતા તો ક્યારેક સ્ટ્રિપર્સને ઘેર જ બોલાવી ન્યૂડ પૂલ પાર્ટી કરતા હતા. લેખકે એમ પણ જણાવ્યું છે કે ઘણી વાર બિલ ગેટ્સ પોતાના તમામ મિત્રોને પોતાને ઘેર બોલાવી લેતા હતા અને ઘરમાં જ આવેલા પૂલમાં બધા નિર્વસ્ત્ર થઇને તરતા રહેતા હતા. ૧૯૯૭માં વોલેસે અબજોપતિ બિલ ગેટ્સ પર લખેલા બીજા પુસ્તક, ‘ઓવરડ્રાઇવઃ બિલ ગેટ્સ એન્ડ ધ રેસ ટુ કંટ્રોલ સાઇબર સ્પેસ’માં વોશિંગ્ટનના બિલ ગેટ્સના ઘરમાં થતી આવી નેકેડ પાર્ટીનું વર્ણન કરેલું છે.
તે સમયગાળામાં બિલ ગેટ્સે સિઆટેલની ઓલ ન્યૂડ નાઇટ ક્લબની મુલાકાત પણ લીધી હતી. પોતાના ઇન્ડોર પૂલમાં મિત્રોની સાથે નિર્વસ્ત્ર થઇને સ્ટ્રિપર્સ સાથે તર્યા પણ હતા. વોલેસે એ બાબતની પણ નોંધ લીધી છે કે બિલ ગેટ્સની સ્ત્રીઓ પ્રતિની લાલસાએ તેમના લગ્નજીવનના સંબંધોમાં તંગદિલી આણી હતી.