બિલિયોનેર બિલ ગેટ્સ અને મેલિન્ડા ડાઈવોર્સ લેશે

Wednesday 05th May 2021 07:49 EDT
 
ડાબેથી પુત્રી ફીઓબી, બિલ ગેટ્સ, પુત્રી જેનિફર, મેલિન્ડા ગેટ્સ અને પુત્ર રોરી ગેટ્સ
 

વોશિંગ્ટનઃ માઈક્રોસોફટના સહસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાનોમાં ચોથા ક્રમે સામેલ બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ ૨૭ વર્ષના લગ્નજીવન પછી છૂટાં થઈ રહ્યાં છે. જોકે, દંપતીની સખાવતી સંસ્થા ‘બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન’માં તેઓ બંને કાર્યરત રહેશે. તેમના ફાઉન્ડેશને પોલિયો અને મેલેરિયા નાબૂદી સહિતના ઉદ્દેશો માટે ૫૦ બિલિયન ડોલરથી વધુ ફાળો આપ્યો છે અને હાલ કોરોના વાઈરસ સારવારમાં મુખ્ય ઈન્વેસ્ટર પણ છે.

૬૫ વર્ષીય બિલિયોનેર વિલિયમ હેનરી ગેટ્સ ઉર્ફ બિલ ગેટ્સે સોમવારે ટ્વીટર પર જાહેર કર્યું હતું કે તેઓ ને તેમના ૫૬ વર્ષીય પત્ની મેલિન્ડા ડાઈવોર્સ લઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘ઘણા વિચારવિમર્શ અને અમારા સંબંધ પર કામ કર્યા બાદ અમે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. વીતેલા ૨૭ વર્ષોમાં અમે ત્રણ બાળકોનો ઉછેર કર્યો અને એક ઉત્કૃષ્ઠ સંસ્થા બનાવી છે, જે દુનિયાભરના લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે મદદ કરે છે. અમે અમારા આ મિશનને હંમેશા શરુ રાખીશું અને લોકોની મદદ કરતા રહીશું.’

મેલિન્ડાએ ડાઈવોર્સ પિટિશનમાં જણાવ્યું હતું કે તેમના લગ્ન હવે જરા પણ ચાલી શકે તેમ નથી. પિટિશનમાં એમ પણ સ્પષ્ટ થયું હતું કે ૧૯૯૪માં લગ્ન થયા ત્યારે ડાઈવોર્સ સંબંધે તેમણે કોઈ લગ્ન અગાઉનું એગ્રીમેન્ટ કર્યું નથી. લગ્ન અગાઉનો કરાર ન હોવાથી તેમની સંપત્તિનું વિભાજન જાહેર નહિ કરાયેલા સેપરેશન કોન્ટ્રાક્ટ હેઠળ કરાશે. દંપતીની સંપત્તિમાં પાંચ રાજ્યોમાં પ્રોપર્ટીઝ, મૂલ્વાન કલાસંગ્રહ, વૈભવી કાર્સનો મોટો કાફલો, ખાનગી જેટનો સમાવેશ થાય છે.

તેમની સંયુક્ત સંપત્તિ ૧૩૦ બિલિયન ડોલર જેટલી છે અને સાથે મળીને ત્રણ સંતાનોનો ઉછેર કર્યો છે. બિલ અને મેલિન્ડા તેમની સંપત્તિના ૯૫ ટકા હિસ્સો સમાજસેવા પાછળ ઉપયોગ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે અને આ માટે તેમણે ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. પોતાના ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે બિલ ગેટ્સે ગેટ્સ જૂન ૨૦૦૮માં માઈક્રોસોફટના રોજબરોજના કામકાજમાંથી અળગા થયા હતા અને ફેબ્રુઆરી ૨૦૧૪માં કંપનીનું ચેરમેનપદ પણ છોડી દીધુ હતું.

બિલ ગેટ્સ અને મેલિન્ડાની પ્રથમ મુલાકાત ૧૯૮૭માં થઈ હતી. મેલિન્ડા તે સમયે માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરી રહી હતી. તેમણે ૧૯૯૪ના અંતમાં હવાઈની લૌની ટાપુ પર લગ્ન કર્યા હતા. બિલ અને મેલિન્ડા ગેટ્સ એક પુત્ર રોરી (૨૧) અને બે પુત્રી જેનિફર (૨૫) અને ફીઓબી (૧૮)ના માતપિતા છે

થોડા મહિના પહેલા જાહેર કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે બિલ ગેટ્સની દર સેકેન્ડની કમાણી ૧૨૦૫૪ રુપિયા એટલે કે એક દિવસની કમાણી ૧૦૨ કરોડ રુપિયા છે. આ હિસાબે જો તેઓ દરરોજ ૬.૫ કરોડ રુપિયાનો ખર્ચ કરે તો પણ તેમને તમામ રુપિયા ખર્ચ કરવામાં ૨૧૮ વર્ષ લાગશે. 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter