બે ભારતીયો કેનેડાથી બોટમાં યુએસમાં ગેરકાયદે પ્રવેશતા ઝડપાયા

Sunday 12th March 2023 09:27 EDT
 
 

ન્યૂ યોર્કઃ યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટસે કેનેડાથી બોટ દ્વારા યુએસમાં ગેરકાયદે પ્રવેશ કરી રહેલા બે ભારતીય સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ તમામે તેમણે બોટ દ્વારા કેનેડાથી સરહદ પાર કરી હોવાની કબૂલાત કરી હતી. બોર્ડર પેટ્રોલના ડિસ્પેચરોએ 20 ફેબ્રુઆરીએ રિમોટ વીડિયો સર્વેલન્સ સિસ્ટમ પર એક વહાણ સેન્ટ ક્લેર રિવરના જાણીતા સ્મગલિંગ રૂટ પર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી રહ્યું હોવાનું નિહાળ્યું હતું.
ડેટ્રોઈટ સેક્ટરના એજન્ટ્સના જણાવ્યા મુજબ બે માઈગ્રન્ટ્સ તદ્દન ભીંજાયેલા હતા અને ભારે ઠંડીથી ધ્રૂજી રહ્યા હતા. તેમણે પૂછપરછમાં કહ્યું હતું કે તેઓ બોટમાંથી બહાર ઉતરતા નદીના પાણીમાં પડી ગયા હતા. આ બે વ્યક્તિ ભારતની હોવાનું તપાસમાં જણાયું હતું. બાકીના ત્રણ લોકો નાઈજિરિયા, મેક્સિકો અને ડોમિનિકન રિપબ્લિકના હતા.
ચીફ પેટ્રોલ એજન્ટે જણાવ્યું હતું કે સ્મગલરે તેની ક્રિમિનલ કામગીરીને છુપાવવા અંધારા અને ઠંડા તાપમાનનો આશરો લીધો હતો. તમામ પાંચ વ્યક્તિ સામે યુએસ ઈમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનના મામલે કાર્યવાહી કરાઈ રહી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter