વોશિંગ્ટનઃ આવતા મહિનાના પ્રારંભે - ત્રીજી નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને હારનો ડર સતાવી રહ્યો છે. તેનું એક કારણ ભારતવંશી મતદારોનો ઝૂકાવ છે, જે હંમેશાં તેમની વિરોધી ડેમોક્રેટિક પાર્ટી તરફ રહ્યો છે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આશરે 65 ટકા ભારતવંશી લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને વોટ આપ્યો હતો. એક અહેવાલ અનુસાર, અમેરિકામાં અંદાજે 21 લાખ ભારતીય મૂળના મતદારો છે. જેમાંથી બે લાખ ભારતીયોના નામ મતદારીમાંથી દૂર કરાયાના અહેવાલ છે.
અહેવાલ પ્રમાણે, ટ્રમ્પ વહીવટી તંત્ર હજુ પણ મતદાર યાદીની તપાસ કરી રહ્યું છે, જેથી અયોગ્ય મતદારોના નામ હટાવી શકાય. સરકારનું કહેવું છે કે આનાથી ચૂંટણીમાં ગરબડ અટકાવવામાં અને મતદાન પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. આ જ હેતુસર ટ્રમ્પ ‘સેવ અમેરિકા એક્ટ’નું સમર્થન કરી રહ્યા છે. આ અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવનારાઓએ અમેરિકાની નાગરિક્તા સાબિત કરવા માટે જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજો આપવા પડશે. મતદાન કરવા માટે ઓળખપત્ર બતાવવાના નિયમો પણ સખત કરાશે. આ નિયમો મતદાન કેન્દ્ર પર અને ટપાલ દ્વારા વોટ નાખવા બંને પર લાગુ થશે. ટ્રમ્પ ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ થવાના દાવા કરતા રહ્યા છે. જોકે, ગેરરીતિના દાવાઓના સમર્થનમાં નક્કર પુરાવા મળ્યા નથી. આ બિલના વિરોધિયાઓનું કહેવું છે કે આકરા નિયમોના કારણે જન્મ પ્રમાણપત્ર કે પાસપોર્ટ હોય તેવા લાયક નાગરિકોને પણ મતદાન કરવામાં મુશ્કેલી પડી શકે છે. ડેમોક્રેટિક નેતાઓનો આક્ષેપ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ પગલાંઓથી મિડટર્મ ચૂંટણીઓને પ્રભાવિત કરવા માંગે છે.


