બોબી વિશ્વનો સૌથી વયોવૃદ્ધ શ્વાન

ઓહિયોના આ શ્વાની ઉંમર છે 30 વર્ષ અને 268 દિવસ!ન

Monday 20th February 2023 05:19 EST
 
 

લંડનઃ માત્ર ત્રણ સપ્તાહ અગાઉ ઓહિયોના 23 વર્ષીય મિશ્ર જાતિના ચિહુઆહુઆ શ્વાન સ્પાઈકનું નામ વિશ્વના સૌથી વધુ વર્ષના જીવંત શ્વાન તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં ચમક્યું હતું પરંતુ, તેનો વિક્રમ જાણે ક્ષણજીવી રહ્યો છે. હવે આ તાજ 30 વર્ષ અને 268 દિવસના બોબીના શિરે મૂકાયો છે. ગિનેસ બુકના સત્તાવાળાઓના નિવેદન અનુસાર પોર્ટુગીઝ પ્યોરબ્રીડ રાફેઈરો ડો અલેન્ટેજો પ્રજાતિનો રખેવાળ શ્વાન બોબી સામાન્યપણે 12થી 14 વર્ષની અપેક્ષિત આયુષ્યસીમાથી બમણું જીવ્યો છે. આ કારણે તેને વિશ્વમાં સૌથી વધુ જીવનારા અને આજે પણ હયાત શ્વાનનો તાજ મળ્યો છે.
બોબીએ 1910થી 1939ના ગાળામાં 29 વર્ષ અને પાંચ મહિના જીવનારા ઓસ્ટ્રેલિયન કેટલ ડોગ બ્લુએઈનો લગભગ એક સદી પુરાણો વિક્રમ તોડી નાખ્યો છે. અન્ય ઓસ્ટ્રેલિયન ડોગ ચિલ્લા 32 વર્ષ અને 3 દિવસની વય સુધી જીવ્યાનું મનાય છે અને તેણે માર્ચ 8 1983ના દિવસે અંતિમ શ્વાસ લીધાં હતાં. જોકે ચિલ્લાની વયને સત્તાવાર સમર્થન મળતું નથી. જ્યારે બોબીની ઉંમરને લેઈરિયાની મ્યુનિસિપાલિટીની વેટરનરી મેડિકલ સર્વિસ તેમજ પોર્ટુગીઝ સરકારના પાલતુ પ્રાણી ડેટાબેઝ દ્વારા સમર્થન અપાયું છે.
શ્વાન બોબીએ તેની આખી જિંદગી વેસ્ટર્ન પોર્ટુગલના લેઈરિયાના કોન્ક્યુઈરોસ ગામમાં કોસ્ટા પરિવાર સાથે વીતાવી છે. બોબીનો જન્મ 1992ની 11 મેના રોજ થયો ત્યારે તેના માલિક લીઓનેલ કોસ્ટાની ઉંમર માત્ર 8 વર્ષની હતી. કોસ્ટા કહે છે કે, ‘બોબી આ બધા વર્ષ યોદ્ધાની માફક જીવ્યો છે. આટલું લાંબુ કેવી રીતે ખેંચાયું તેની જાણ માત્ર તેને જ હોય, તેનું જીવન સહેલું તો નહિ જ હોય કારણ કે સામાન્ય ડોગની જિંદગી આટલી લાંબી હોતી નથી. જો તે બોલી શકતો હોત તો તે જરૂર પોતાના લાંબા આયુષ્યનું રહસ્ય જણાવી શક્યો હોત.’

કોસ્ટા પરિવાર લાંબુ જીવનારા શ્વાનોથી સારી રીતે પરિચિત છે. ગિનેસ બુકની વેબસાઈટ પર જણાવ્યા મુજબ બોબીની માતા ગિરા 18 વર્ષ જીવી હતી. પરિવારનો અન્ય શ્વાન ચિકોટે 22 વર્ષ જીવ્યો હતો. કોસ્ટાને હજુ આશા છે કે બોબી એક દિવસ પોતાના બચ્ચાનો બાપ બનશે. લીઓનેલ કોસ્ટા કહે છે કે તેમણે બોબી માટે સૌથી વધુ વર્ષની હયાતિના ટાઈટલ માટે અરજી કરી ત્યારે વિશ્વના સૌથી વધુ વર્ષના શ્વાન તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનો વિચાર કર્યો જ ન હતો.

બોબીના જીવનનું અનોખું રહસ્ય
બોબીએ હાલમાં ભલે સૌથી મોટી વયના હયાત શ્વાનનું ટાઈટલ હાંસલ કર્યું હોય, પરંતુ બાળપણમાં જ તેનો અંત આવી ગયો હોત. કોસ્ટા પરિવાના વૂડશેડમાં બોબી અને તેના ત્રણ ભાઈનો જન્મ થયો ત્યારે કોસ્ટાના પિતાએ ઘરમાં ઘણા પ્રાણીઓ થઈ ગયાનું વિચારી તેમનો નિકાલનો નિર્ણય લીધો હતો. કોસ્ટા અને તેમના ભાઈએ તો વિચાર્યું હતું કે બધાં બચ્ચાંને નિકાલ કરવા લઈ જવાયા છે પરંતુ, દુઃખના થોડા દિવસ વીત્યા પછી તેમણે લાકડાના ઢગલામાં બોબીને જીવતો નિહાળ્યો તો તેમના આનંદનો પાર રહ્યો નહિ. બચ્ચાની આંખ ખુલી નહિ ત્યાં સુધી બે ભાઈઓએ આ સમાચાર ગુપ્ત રાખ્યા કારણ કે તેમને ખબર હતી હતી કે બચ્ચાની આંખ ખુલી જશે પછી તેમના પેરન્ટ તેને દાટી નહિ દે.
કોસ્ટા પોતાના પાલતુ શ્વાન બોબીના દીર્ઘ આયુષ્ય માટે શાંત વાતાવરણને કારણભૂત ગણાવે છે. બોબીના મોટા થવા સાથે તેને માનવીના આહાર તરફ લગાવ વધતો રહ્યો હતો. વય વધવાની સાથે બોબીની સાહસિકતા ઘટી રહી છે. તેને ચાલવામાં તકલીફ પડે છે અને તેની આંખોનું તેજ ઘટી રહ્યું હોવાથી રસ્તામાં આવતી વસ્તુઓ સાથે અથડાઈ પડે છે. તે પોતાનો સમય ઘરના બેકયાર્ડમાં ચાર મિત્રતાપૂર્ણ બિલાડીઓ સાથે વીતાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter