ભારત અને અમેરિકા પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભાગીદારી વધારશે

Wednesday 15th April 2026 06:47 EDT
 
 

વોશિંગ્ટન: ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને રાઈટ વચ્ચેની ચર્ચામાં ઉર્જા સુરક્ષા આગળ વધારવા, દ્વિપક્ષીય કારોબારનો વ્યાપ વધારવા, અને ભારત-ઊર્જા સુરક્ષા ભાગીદારીને મજબૂત કરતા નવા ક્ષેત્રો પર ચર્ચા કરાઇ હતી, એમ ભારતીય રાજદૂતાવાસે શુક્રવારે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.
અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોર પણ આ બેઠકમાં હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ભારતને પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં મદદ કરવા અને દરેક પ્રકારનો સહયોગ સાધવા તૈયાર છે. તેની સાથે કોલ ગેસિફિકેશન અને એલપીજી જેવા ઉર્જાના અન્ય ક્ષેત્રોમાં પણ મદદ કરવા તૈયાર છે. ગોરે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વિદેશપ્રયાન ક્રિસ રાઇટ અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે વિતાવેલો સમય યાદગાર રહ્યો. તેમાં ભારત-અમેરિકા ઉર્જા સહયોગના ભાવિ અંગે ચર્ચા કરાઇ હતી.
માર્કો રુબિયો આવતા મહિને ભારત પ્રવાસે
વિદેશ મંત્રી માર્કો રુબિયો આગામી મે મહિનામાં ભારતની મુલાકાતે જશે. તેમની આ મુલાકાત દરમિયાન ટેરિફ નીતિઓ અંગે ચર્ચા થશે. રુબિયોની વિક્રમ મિસરી સાથેની મુલાકાત અને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગેની ચર્ચા પછી ગોરે એક્સ પર એક પોસ્ટમાં આ જણાવ્યું હતું. અલબત્ત, આ મામલે ભારતના વિદેશ મંત્રાલય તરફથી પણ હજુ કોઈ નિવેદન કરાયું નથી. પદ સંભાળ્યા પછી રુબિયોનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter