વોશિંગ્ટનઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાન પણ તેથી ચોંકી ગયું છે તેવા સમયે પ્રમુખ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીને મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે હંમેશા તંગદિલી રહી છે. તેઓ કોઈને કોઈ રીતે જાતે જ તેનો ઉકેલ શોધી લેશે.
એરફોર્સ-વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું ભારત અને પાકિસ્તાન બંનેથી નજીક છું. કાશ્મીર મુદ્દો ખૂબ જૂનો છે. 1,000 કે તેથી વધુ વર્ષથી લડાઈ ચાલી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે 1,500 વર્ષથી તંગદિલી પ્રવર્તે છે, પરંતુ મને ભરોસો છે કે ભારત અને પાકિસ્તાન તે મુદ્દાનો કોઈ પણ રીતે ઉકેલ શોધી લેશે. હું બન્ને નેતાઓને જાણું છું. કોઈને કોઈ રીતે તેઓ જાતે જ ઉકેલ શોધી લેશે.’