વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચેની પ્રાસ્તાવિક દ્વિપક્ષીય વ્યાપાર સમજુતીને લઈને થઈ રહેલી વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. વોશિંગ્ટનમાં તાજેતરની ઉચ્ચ સ્તરની વાટાઘાટો પુર્ણ થયાં બાદ બન્ને દેશોએ સંકેત આપ્યો છે કે મોટાભાગના મુદ્દા પર સહમતિ સધાઈ ચુકી છે અને હવે ફક્ત કેટલાક જટિલ વિષયો પર આખરી સમાધાન બાકી છે. ભારત અને અમેરિકા વચ્ચેની આ સમજુતી આર્થિક સંબંધોને નવી દિશા આપશે તેમ માનવામાં આવે છે.
જોકે અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે ભારતને એક કઠિન દેશ ગણાવતાં કહ્યું હતું કે ભારતનું કૃષિ ક્ષેત્ર લાંબા સમયથી સંરક્ષિત રહ્યું છે જેને પરિણામે વાટાઘાટોમાં પડકારો આવે છે. તેમણે અમેરિકન સંસદની સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે ભારત પોતાના કૃષિ બજારોને ખોલવાના મુદ્દે સતર્ક છે તેમ છતાં કેટલાક ક્ષેત્રોમાં સહમતિની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને પશુઆહારમાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો પર વાતચીત ચાલી રહી છે.
આ વાટાઘાટોમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના વધારાના સચિવ દર્પણ જૈને કર્યું હતું જ્યારે અમેરિકા તરફથી બ્રેન્ડન લિંચે નેતૃત્વ કર્યું હતું. ત્રણ દિવસ ચાલેલી આ બેઠકમાં સમજુતીના બારીક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વિશ્લેષકોનું માનવું છે કે જો આ સમજુતી સફળતાપુર્વક પાર પડે છે તો તે વૈશ્વિક વ્યાપારના બેકગ્રાઉન્ડમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવ સાબિત થશે.


