નવી દિલ્હી, વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે મિની ટ્રેડ ડીલ કે દ્વિપક્ષીય સોદો થવાની સંભાવના આકાર લઇ રહી છે. અમેરિકા પ્રવાસે ગયેલું પ્રતિનિધિમંડળ પાંચમા તબક્કાની વાતચીત પૂરી કરીને ભારત પાછું આવી ગયું છે. પાંચમા તબક્કાની મંત્રણામાં કૃષિ અને ઓટોમોબાઈલ્સનાં મુદ્દે ચર્ચા થયાની અટકળો સેવાય છે.
નોન માર્કેટ ઇકોનોમી તેમજ SCOMET એટલે કે સ્પેશિયલ કેમિકલ્સ, ઓર્ગેનિઝમ, મટિરિયલ્સ, ઈક્વિપમેન્ટ અને ટેક્નોલોજીનાં મુદ્દા પણ ચર્ચાયા હોવાનું જાણવા મળે છે. જો મિની ટ્રેડ ડીલ થશે તો તેમાં ડેરી, કૃષિ અને ઓટો સેક્ટર્સ સિવાય અન્ય સેક્ટર્સ પર સોદો કરાશે જયારે દ્વિપક્ષીય સોદામાં બંને દેશ કયા કયા મુદ્દે સંમતિ સાધે છે તે મહત્ત્વનું રહેશે.
ઉલ્લેખનીય છે કે બન્ને દેશનાં પ્રતિનિધિઓએ 14થી 17 જુલાઈ સુધી 4 દિવસ વાતચીત કરી હતી. બંને દેશોએ પહેલી ઓગસ્ટ પહેલા વેપાર કરારને અંતિમ ઓપ આપવાનો છે. બન્ને દેશોએ ટેરિફ લાગુ થાય તે પહેલા મિની ડીલ કરવા તેમજ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં પૂર્ણ કક્ષાનો દ્વિપક્ષીય કરાર કરવા વાતચીત કરી હતી.