વોશિંગ્ટનઃ અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં અસલી પ્લાન ઉપરથી પડદો ઉંચકતા કહ્યું હતું કે, ટ્રમ્પ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરાવવા માગે છે. રશિયા ઉપર દબાણ વધારવાનાં પ્રયાસ રૂપે જ ભારત ઉપર અતિરિક્ત ટેરિફ જેવા આક્રમક આર્થિક હથકંડા અજમાવી રહ્યાં છે. વેન્સે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આ મહિને ટ્રમ્પની રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક બાદ સામે આવેલી સંભવિત અડચણો છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અમેરિકા જરૂર અટકાવી શકશે. ભારત ઉપર લાદવામાં આવેલા આકરા ટેરિફ મુદ્દે તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, આવું કરીને ટ્રમ્પ રશિયા માટે ઓઈલ કારોબારથી વધુ કમાણી કરવાનું કઠિન બનાવી રહ્યાં છે.