વોશિંગ્ટનઃ રશિયા પાસેથી ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદતા ભારત અને ચીન સહિતના પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લાદવા યુએસ રાષ્ટ્રપતિને સત્તા આપતું સર્વપક્ષીય બિલ અમેરિકન સેનેટે બહુમતિથી મંજૂર કર્યું છે. બિલનો ઉદ્દેશ્ય રશિયન અધિકારીઓ, નાણાકીય સંસ્થાઓ તથા ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધ મુકી યુક્રેન સામેના યુદ્ધ માટેના તેના નાણાંના સ્રોતને બંધ કરવાનો છે. આ બિલનો હેતુ રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરતાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી તથા અઝરબૈજાન એમ પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લાદવાનો છે. બિલ હવે 31 ઓગસ્ટથી શરૂ થનારા અમેરિકન સંસદના નીચલા ગૃહમાં મંજૂરી માટે મોકલાશે. ચાર વર્ષથી વધુ સમયથી ચાલતું રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવવામાં નિષ્ફળ અમેરિકાએ ફરી ટેરિફનું હથિયાર ઉગામતાં ભારતને સૌથી વધુ અસર થવા શક્યતા છે. તાજેતરમાં અવસાન પામેલાં રિપબ્લિકન સાંસદ લિન્ડ્સે ગ્રેહામ અને કનેક્ટિકટના ડેમોક્રેટ સાંસદ રિચાર્ડ બ્લુમેન્થલે આ બિલ તૈયાર કર્યું છે.
ગ્રેહામના અવસાન બાદ તેમના સ્થાને ઉપલા ગૃહમાં નિમાયેલાં તેમના બહેન ડેરલિન ગ્રેહામે જણાવ્યું હતું કે, આ બિલનો હેતુ, રશિયાના અર્થતંત્રને મદદ કરતાં અગ્રણી દેશોને તેમ કરતાં અટકાવવાનો છે. આ બિલને પગલે આ દેશોને અમેરિકા સાથે વેપાર કરવો છે કે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદવું છે તે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની ફરજ પડશે. આ બિલથી ઓઈલ માટે ચીન અને ભારતની રશિયા પરની નિર્ભરતા ઘટાડવા દબાણ સર્જાશે.


