નવી દિલ્હીઃ યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ આયોજિત ઇન્ડિયા આઇડિયા સમિટને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨મી જુલાઈએ અમેરિકાના રોકાણકારોને ડિફેન્સ, સિવિલ એવિએશન સહિત ૭ સેક્ટરોમાં રોકાણનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ભારતમાં રોકાણનો આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. ભારત અપાર અવસરોનો દેશ બનીને ઊભરી રહ્યો છે. ભારત ખુશહાલ અને મજબૂત દુનિયા માટે પોતાનું યોગદાન આપી રહ્યો છે. ભારતે આત્મનિર્ભરનો નારો આપ્યો છે તેને માટે અમે તમારી ભાગીદારીની પ્રતીક્ષા કરી રહ્યાં છીએ. મોદીએ કહ્યું કે જ્યારે બજાર ખુલ્લાં છે, તકો ઘણી બધી છે અને વિકલ્પ પણ છે તો શું આશાવાદ પાછળ રહી શકે ખરો. ભારતે વીમા સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી આપી છે.
તમે વિશ્વાસ કરો એ દેશ સાથે વેપાર કરો
મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકા ભારત સાથે વેપારમાં વિશ્વાસ કરી શકે છે. અમે પણ આત્મનિર્ભર ભારતના આહવાન સાથે સમૃદ્ધ અને સ્થિતિસ્થાપક વિશ્વ માટે યોગદાન આપી રહ્યાં છીએ. તેના માટે અમે અમેરિકાની ભાગીદારીની રાહ જોઇ રહ્યાં છીએ. મોદીનું આ નિવેદન ચીનને આકરી લપડાક છે.
મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દાઓ
• ભારત હેલ્થ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ-સ્પેસ, કૃષિ, વીમા, સિવિલ એવિયેશન સેક્ટર સેક્ટરમાં રોકાણ કરવા માટે તમને આમંત્રિત કરે છે. ભારતનું હેલ્થકેર સેક્ટર ૨૨ ટકાની ઝડપે આગળ વધી રહ્યું છે.
• ભારત તેની જાતને ગેસ બેસ્ડ ઈકોનોમીમાં ફેરવી રહ્યો છે. આ સેક્ટરમાં અમેરિકાની કંપનીઓ માટે ઘણી તકો હશે.
• ભારતમાં સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
• ભારતે ડિફેન્સમાં રોકાણ માટેની એફડીઆઈ લિમિટ ૭૪ ટકા કરી છે.
• વીમા સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી આપી છે.
• ભારત તમને ખેડૂતોની મહેનતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરે છે.