વોશિંગ્ટનઃ ભારત-અમેરિકા વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) અગાઉ અન્ય દેશો સાથે કરાયેલાં વેપાર કરારોની તુલનાએ ઘણો અલગ હશે તેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર હાથવેંતમાં જ છે અને ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ અપાશે. ઓવલ ઓફિસમાં કરાયેલાં એક સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમને કરાર કરવો છે અને અમે ટૂંક સમયમાં કરાર કરીશું. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકાએ અગાઉ કરેલાં તમામ ટ્રેડ ડીલની સરખામણીએ ભારત સાથેનો કરાર ઘણો અલગ હશે. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા, ટેક્નોલોજી, સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની કવાયતના ભાગરૂપે વિદેશ મંત્રી માર્કો રુબિયો ગયા સપ્તાહે જ ભારત પ્રવાસે ગયા હતા. આ પૂર્વે ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે વોશિંગ્ટનમાં અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીઅર સાથે ટ્રેડ ડીલ મુદ્દે મંત્રણા કરી હતી. આ પૂર્વે ગોયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકા જ્યારે અન્ય હરીફ દેશોની તુલનાએ સ્થાનિક નિકાસકારોને પ્રાથમિકતાના ધોરણે ટેરિફના લાભ આપશે એટલે કે હરીફ દેશો કરતાં ટેરિફમાં વધુ મુક્તિ આપશે ત્યારે ભારત આ સોદાને સંમતિ આપશે. અગાઉ ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરી મહિનામાં દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ)ના પ્રથમ તબક્કાના માળખાંને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી હતી. જોકે અમેરિકામાં ટેરિફના બદલાયેલાં માળખાંનાં લીધે બંને દેશો વચ્ચેની મંત્રણાને વધુ લંબાવવાની ફરજ પડી હતી.


