ભારત સાથે સંરક્ષણ સમજૂતી મુદ્દે અમેરિકામાં ધમધમાટ

Wednesday 03rd May 2023 12:40 EDT
 
 

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના મધ્ય ભાગમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. બાઇડેન વહીવટી તંત્ર તે મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે થનારી એક મહત્ત્વની સંરક્ષણ સમજૂતી અંગે અંતિમ નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના ભારતવંશી ડેમોક્રેટ સાંસદને ટાંકીને આ જણાવાયું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કરતા રોહિત ખન્નાએ જણાવ્યું હતું કે ફાઇટર જેટ માટે તૈયાર થનારા એન્જિન અંગેની સમજૂતીને મુદ્દે અમેરિકાએ પૂરી તૈયારી કરી લીધી છે. વડા પ્રધાન મોદી અમેરિકાની મુલાકાત લે તે પહેલાં જ આ સમજૂતી પર અંતિમ નિર્ણય લેવાઇ શકે છે.
ડેમોક્રેટ સાંસદ ખન્નાએ જણાવ્યું હતું કે ભારત જાણે છે કે સોવિયેત કાળના સૈન્ય ઉપકરણો હવે સારી રીતે કામ કરતા નથી. બીજી તરફ રશિયા ધીરે ધીરે ચીન તરફ ઢળી રહ્યું છે તેવામાં ભારત પણ ખુલ્લેઆમ અમેરિકા સાથે સંબંધો વિકસાવવા ઉત્સુક છે. ખન્નાએ કહ્યું કે, ‘ભારત સાથેની સંરક્ષણ સમજૂતી અમેરિકી સરકારની પ્રાથમિકતા છે. સરકાર ઇચ્છે છે કે આ સમજૂતી બને તેટલી ઝડપથી થાય. વહીવટી તંત્ર ઇચ્છે છે કે વડા પ્રધાન મોદી અમેરિકાની મુલાકાત લે તે પહેલાં જ આ સમજૂતી થઇ જાય.’ તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી અમેરિકી સંસદમાં સંવાદ કરે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે. બંને અમેરિકી ગૃહના સ્પીકર વડા પ્રધાન મોદીને નિમંત્રણ આપે તે માટે સ્પીકરને અનુરોધ કરવામાં આવશે.
જેટ એન્જિન: ટૂંક સમયમાં મંજૂરીની શક્યતા
બાઇડેન વહીવટી તંત્ર જનરલ ઇલેક્ટ્રિક કંપનીની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યું છે. બાઇડેન વહીવટીતંત્ર ભારતીય લડાયક વિમાનો માટે આ એન્જિનના ઉપયોગને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. જોકે મંજૂરી કેટલા સમયમાં મળશે તે હજી નક્કી નથી. અમેરિકી સરકાર જનરલ ઇલેક્ટ્રિક કંપનીની દરખાસ્તને મંજૂરી આપી દેશે તો ભારતની રશિયન હથિયારો પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્ત્વનું પગલું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યા પછી અમેરિકા રાજદ્વારી મંચ પર રશિયાને એકલું પાડવા પ્રયાસશીલ છે. વર્તમાનમાં ભારતીય લડાયક વિમાનો રશિયા, યુરોપ અને ભારત એમ ત્રણેયની મિશ્રા ટેકનોલોજીથી તૈયાર થાય છે.

જેટ એન્જિન સમજૂતીનું ભારત માટે મહત્ત્વ
ઉલ્લેખનીય છે કે ભારત વર્તમાનમાં રશિયન બનાવટના લડાયક જેટ વિમાનો મોટી સંખ્યામાં ધરાવે છે. ભારત અત્યાર સુધી પોતાના લડાયક વિમાનો માટેના ઉપકરણોની ખરીદી રશિયા પાસેથી કરતું આવ્યું છે. જોકે મોદી સરકાર સંરક્ષણ ખરીદીમાં વૈવિધ્ય લાવી રહી છે. તેને પગલે ભારત પોતાના લડાયક વિમાનો માટેના એન્જિન અમેરિકા પાસેથી મેળવવા વાતચીત કરી રહ્યું છે. ચીનના વધી રહેલા પડકારો અને ભારતની રશિયન હથિયારો પરની નિર્ભરતાને ઘટાડવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે.
 
જેટ એન્જિન સોદા માટે ડોભાલે કરી પહેલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ વર્ષના આરંભમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. અહીં બંને દેશો વચ્ચે જેટ એન્જિન સોદાને મુદ્દે વાતચીત થઇ હતી. મળતા અહેવાલ મુજબ બંને દેશો જનરલ ઇલેક્ટ્રિક કંપની (જીઇ)ના એન્જિનોનું સંયુક્ત ઉત્પાદન કરી શકે છે. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી સમજૂતી હેઠળ આ મહત્ત્વની ટેકનોલોજી ભારતને મળી શકે છે.
 
ભારતની ઊર્જા જરૂરિયાતો વિશે વિચારવું જરૂરી
ભારતવંશી સાંસદે કહ્યું હતું કે બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રે મજબૂત સહયોગ સ્થાપવો પડશે. આજે મહત્ત્વનો સમય છે. સંરક્ષણ માટે જેટ એન્જિન ખૂબ જ મહત્ત્વના છે. ભારતની ઊર્જા અને ઇંધણ જરૂરિયાતોને મુદ્દે ખન્નાએ કહ્યું કે વિકાસ માટે એક વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત શોધવો પડશે. અમને આનંદ છે કે ભારતે રશિયાના પ્રમુખ પુતિનના આક્રમણની આલોચના કરી છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો અમેરિકા માટે ચિંતાનો વિષય ના હોવો જોઇએ કેમ કે બંને દેશો વચ્ચેનો સહયોગ આવનારા દાયકામાં વધુ મજબૂત બનવાનો છે.

સહયોગનું ઉજ્જવળ ભાવિ
લડાકુ વિમાન માટેના એન્જિનના સંયુક્ત ઉત્પાદનની સાથોસાથ અમેરિકા ભારત સાથે આર્ટિલરી સિસ્ટમ, આર્મર્ડ ઇન્ફન્ટ્રી વ્હિકલ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરાંત મેરીટાઇમ સિક્યુરિટી જેવા ક્ષેત્રે પણ સહયોગ સાધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter