નવી દિલ્હી: અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી સંબંધોને નુકસાન પહોંચાડવા ઇચ્છતું નથી. રુબિયોએ કહ્યું કે ભારત સાથેની અમારી મૈત્રીના ભોગે અમારે પાક. સાથે મૈત્રી મજબૂત નથી કરવી. પાક.-અમેરિકા પહેલેથી આતંકવાદ સામે સાથે મળીને લડે છે, પરંતુ તેથી અમેરિકાના ભારત સાથેના સંબંધોને કોઈ નુકસાન નહીં પહોંચવા દેવાય. રુબિયોએ કહ્યું કે ભારતીય રાજદ્વારી વલણોમાં સમજદારી છે. ભારત જાણે છે કે અમારે અનેક દેશો સાથે સંબંધો રાખવા પડે છે. ભારતના પણ કેટલાક દેશો સાથે સંબંધ છે કે જેની સાથે અમેરિકાના સંબંધ નથી, આ સમજદારી ભરી વિદેશ નીતિ છે.


