વોશિંગ્ટન: યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય વડાપ્રધાન મોદીએ ચીન ખાતે એસસીઓ બેઠકમાં ભાગ લીધો તેનાથી મરચા લાગ્યા હોય એમ તેમણે મંગળવારે ફરી એક વખત ભારત પર એકતરફી વેપાર સંબંધોનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત લાંબા સમયથી અમેરિકાને તેના સૌથી મોટા ગ્રાહકોમાં ગણે છે, પરંતુ બદલામાં અમેરિકાને ત્યાં વેપાર કરવાની ખૂબ જ ઓછી તક મળી.
આ અગાઉ રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથેનો સંબંધ દાયકાઓથી અસંતુલિત રહ્યો છે અને હવે ભારતે ટેરિફ ઘટાડવાનો પસ્તાવ મૂકયો છે. પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાને મોટી માત્રામાં માલ વેચે છે. જયારે અમેરિકન કંપનીઓ ત્યાં ખૂબ ઓછા ઉત્પાદનો વેચી શકે છે. તેમણે આ માટે ભારતના ઊંચા ટેરિફ દરોને જવાબદાર ઠેરવ્યા.
ભારત પરનો ટેરિફ વાજબી
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર ટેરિફ અંગેના તેમના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર ખાધનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત પર ટેરિફ લાદી છે કારણ કે તે અમેરિકન ઉત્પાદનો પર વધુ ટેક્સ વસૂલ કરી રહ્યું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અમેરિકા કરતાં રશિયા પાસેથી વધુ તેલ અને શસ્ત્રો ખરીદે છે. ભારતે અમારી પાસેથી એટલા ઊંચા ટેરિફ વસુલ્યા છે. અમારા વ્યવસાયો ભારતમાં માલ વેચી શકતા નથી.
ટ્રમ્પના સલાહકારનો બફાટ
ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોનું વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું છે. તેમણે બફાટ કરતા કહ્યું હતું કે ભારતમાં બ્રાહ્મણ વર્ગ સમાન્ય લોકોના ભોગે નફો કમાઇ રહ્યો છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ભારત 'ક્રેમલિનનું લોન્ડ્રી હાઉસ' બની ગયું છે. ત્યાં બ્રાહ્મણ વર્ગ દેશના સામાન્ય લોકોની કિંમત પર નફો કમાઈ રહ્યો છે અને આ બંધ થવું જોઈએ. નવારોએ કહ્યું કે વડાપ્રધાન મોદી એક મહાન નેતા છે, પરંતુ મને સમજાતું નથી કે તેઓ પુટિન અને જિનપિંગ સાથે કેવી રીતે સહયોગ કરી શકે છે, જ્યારે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે. નોંધનીય છે કે નવારોએ રશિયા-યુક્રેન યુદ્ધને 'મોદીનું યુદ્ધ' ગણાવ્યું છે.