ન્યૂયોર્કઃ ભારતમાંથી તસ્કરી કરીને અમેરિકામાં વેચી દેવાયેલી અંદાજે 14 મિલિયન ડોલર (આશરે 117 કરોડ રૂપિયા)ના મૂલ્યની 657થી વધુ પ્રાચીન કળાકૃતિઓ અમેરિકાએ પરત કરી છે. આ અમૂલ્ય વારસો સુભાષ કપૂર અને નેન્સી વીનર જેવા આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગ દ્વારા ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. ન્યૂયોર્કના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગ અને ભારતીય કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમની હાજરીમાં આ મૂર્તિઓ સોંપવા માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો.
બ્રેગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ 600થી વધુ પ્રાચીન મૂલ્યવાન મૂર્તિઓ અને કળાકૃતિઓ તસ્કરીનું પ્રમાણ ઘણું ચિંતાજનક હદે વધ્યું હોવાનું દર્શાવે છે. ભારતમાંથી ચોરીને અહીં લવાયેલી હજુ આવી ઘણી મૂલ્યવાન કળાકૃતિઓ પરત કરવાની કામગીરી બાકી છે. પરત કરાયેલી કળાકૃતિઓમાં અંદાજે બે મિલિયન ડોલર (આશરે 19 કરોડ રૂપિયા)ની કિંમતની કાંસામાંથી બનાવાયેલી કમળ પર બિરાજમાન ‘અવલોકિતેશ્વરા’ની પ્રતિમા સહિતની અન્ય મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે.
ત્રણ તબક્કામાં પરત મળી કલાકૃતિઓ
આ ઐતિહાસિક વારસો ભારતને ત્રણ અલગ-અલગ તબક્કામાં પરત કરવામાં આવ્યો છે: સૌથી પહેલા નવેમ્બર 2024માં 612 મૂર્તિઓ પરત મળી હતી. આ પછી બીજા તબક્કામાં જુલાઈ 2025માં 26 મૂર્તિઓ પરત કરવામાં આવી હતી. હવે છેલ્લા તબક્કામાં 28 એપ્રિલ - મંગળવારના રોજ 19 મૂર્તિઓ ભારતને સોંપાઈ છે, જેમાંની 17 મૂર્તિઓ સીધી રીતે તસ્કર સુભાષ કપૂર સાથે જોડાયેલી છે.
પરત મળેલી મુખ્ય અને અમૂલ્ય પ્રતિમાઓ
આ સંગ્રહમાં કેટલીક અત્યંત કિંમતી અને ઐતિહાસિક મૂર્તિઓનો સમાવેશ થાય છે:
• અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા: આશરે 17 કરોડ રૂપિયા (2 મિલિયન ડોલર)ની કિંમત ધરાવતી આ પ્રતિમા છત્તીસગઢના રાયપુર સ્થિત મહંત ઘાસીદાસ સ્મારક સંગ્રહાલયમાંથી ચોરાઈ હતી. તેને 1982માં સ્મગલિંગ દ્વારા અમેરિકા લઈ જવામાં આવી હતી અને 2025માં એક ખાનગી કલેક્શનમાંથી જપ્ત કરાઈ હતી.
• બુદ્ધની પ્રતિમા: ઉત્તર ભારતમાંથી લૂંટાયેલી લાલ બલુઆ પથ્થરની આ પ્રતિમાની કિંમત અંદાજે 63 કરોડ રૂપિયા (7.5 મિલિયન ડોલર) છે. તસ્કર સુભાષ કપૂરે તેને ન્યૂયોર્ક મોકલી હતી, જ્યાં તેને એક સ્ટોરેજ યુનિટમાંથી પકડી પાડવામાં આવી હતી.
• નૃત્ય કરતાં ગણેશની મૂર્તિ: મધ્ય પ્રદેશના એક મંદિરમાંથી વર્ષ 2000માં લૂંટાયેલી આ પથ્થરની મૂર્તિને ખોટા દસ્તાવેજોના આધારે હરાજીમાં વેચવામાં આવી હતી. જે આ વર્ષની શરૂઆતમાં એક ખાનગી સંગ્રાહકે સ્વેચ્છાએ પરત કરી દીધી છે.
હજુ તો ઘણું કામ બાકી છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાંથી ચોરાયેલી હજુ પણ 1,000થી વધુ કલાકૃતિઓ પરત લાવવાની બાકી છે. અમેરિકન તપાસ એજન્સી (HSI) અને ભારત સરકાર છેલ્લા દોઢ દાયકાથી આ સ્મગલિંગ માર્કેટને તોડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી ભારતની પવિત્ર મૂર્તિઓ અને સાંસ્કૃતિક વારસો સુરક્ષિત રીતે સ્વદેશ પરત આવી શકે. આ ઐતિહાસિક વારસાની વાપસી બદલ પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે.


