ભારતની કેરી, દ્રાક્ષ, દાડમની નિકાસ માટે યુએસ માર્કેટ ખૂલ્યું

Sunday 05th December 2021 06:25 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની કેરી, દ્રાક્ષ તેમજ દાડમ અને દાડમના દાણાની અમેરિકાનાં બજારોમાં નિકાસ માટેનો માર્ગ ખુલ્લો થયો છે. આ માટે બંને દેશોએ સમજૂતી કરવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે ભારતીય બજારમાં અમેરિકાની ચેરી, સૂવરનું માંસ, સૂવરનાં માંસની બનાવટો તેમજ પશુઓનાં ચારા માટે આલ્ફાલ્ફા (રજકો) લાવવા માટેનો માર્ગ પણ ખૂલશે. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વેપારી સમસ્યાઓ ઉકેલવા સંમતિ દર્શાવી છે. ચાર વર્ષનાં અંતરાલ બાદ આવી પહેલ કરાઈ છે. જે હેઠળ આર્થિક અને વેપારી દ્વિપક્ષીય સહયોગને વધુ ઊંચાઈએ લઈ જવામાં આવશે.
ટ્રેડ પોલિસી ફોરમની બેઠકમાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ કરવા અને વણખેડાયેલા બજારો સુધી એકબીજાની પહોંચ સરળ બનાવવા સંમત થયા હતા. પસંદગીની ચીજવસ્તુઓ માટે ટેરિફ ઘટાડવા પણ સંમતિ સધાઈ હતી. ભારતનાં કોમર્સ અને ઇન્ડસ્ટ્રી, ટેક્સ્ટાઈલ, ગ્રાહક બાબતોનાં વિભાગ તેમજ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન પ્રધાન પીયૂષ ગોયલ તેમજ અમેરિકાનાં ટ્રેડ પ્રતિનિધિ રાજદૂત કેથેરાઈન તાઈ હાજર રહ્યા હતા.
વર્કિંગ ગ્રૂપ રચાશે
બંને દેશોએ કૃષિ તેમજ ખેતી સિવાયની ચીજો, સર્વિસિસ, રોકાણો અને બૌદ્ધિક સંપત્તિ અધિકારો માટે ટ્રેડ પોલિસી ફોરમ હેઠળ વર્કિંગ ગ્રૂપ રચવાનું નક્કી કર્યું છે. જે પરસ્પરનાં હિતો જાળવીને વખતોવખત સમસ્યોનો ઉકેલ લાવશે. બંને દેશનાં બજારો બંને દેશનાં ખેડૂતો તેમજ વેપારીઓ માટે સમાન રીતે ખુલ્લા મૂકવા અને તેમને લાભ પહોંચાડવાનો આ પાછળ ઇરાદો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter