ભારતની વિધાનસભા ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ ટ્રમ્પના મોદીને અભિનંદન

Thursday 30th March 2017 02:33 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભાજપની શાનદાર જીત માટે શુભેચ્છા આપી હતી. આ બંને દિગ્ગજ નેતાઓએ ત્રીજી વાર ટેલિફોનિક વાતચીત કરી હતી. આ પહેલાં પણ ટ્રમ્પ અને મોદી એકબીજાને ફોન કરીને શુભેચ્છાઓ આપી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસરે કહ્યું હતું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન મોદીને ફોન કરીને તાજેતરમાં જ યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષે મેળવેલી ઐતિહાસિક જીત અંગે શુભેચ્છાઓ આપી હતી. સીન સ્પાઇસરે આ સાથે એવું પણ જણાવ્યું કે, જર્મન ચાન્સેલર મર્કલને પણ ટ્રમ્પે ફોન કર્યો હતો. અને તેમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્રમ્પ અને મોદી વચ્ચે બંને દેશોના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોમાં સતત વધારો થાય એ મુદ્દે ચર્ચા થઈ હતી. ટ્રમ્પે મોદી સાથેની વાતચીતમાં ભારતને સાચું મિત્ર ગણાવ્યું હતું.

ટ્રમ્પે કહ્યું હતું કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેની સામે લડવા માટે ભારતે અમેરિકા સાથે સતત ભાગીદારી રાખી છે. આ પહેલાં પણ ટ્રમ્પ વડા પ્રધાન મોદી અને ભારતીયોની જાહેરમાં પ્રશંસા કરી ચૂક્યા છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બન્યા ત્યારે મોદીએ પણ તેમની જીત બદલ ફોન કરીને તેમને અભિનંદન આપ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter