વોશિંગ્ટન: વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાનું ગૌરવ ધરાવતા ભારતમાં ચૂંટણી વેળા મતદારોને મફત લાભોના વચન આપવાનું દૂષણ પ્રવર્તે છે. રેવડી કલ્ચરલ તરીકે જાણીતું આ દૂષણ હવે વિશ્વના સૌથી જૂના લોકશાહી દેશ હોવાનો દાવો કરતાં અમેરિકા દેશ પહોંચ્યું છે.
ડલાસમાં યોજાયેલા રિપબ્લિકન મિડટર્મ સંમેલનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મતદારો સમક્ષ સ્પષ્ટ સોદાબાજી જેવો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે જો સંસદમાં રિપબ્લિકન્સ ફરી સત્તા પર આવશે તો પુખ્ત વયના પ્રત્યેક અમેરિકી નાગરિકને પાંચ-પાંચ હજાર ડોલર (અંદાજે 4.80 લાખ રૂપિયા) મળી શકે છે. ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું. એવું માની લો કે હું વધુ એકવાર ચૂંટણીના મેદાનમાં છું, જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં જીત મેળવે તો હું અમેરિકાના દરેક પુખ્ત નાગરિકને 5,000નું ડિવિડન્ડ આપીશ. તેને ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ કહેવામાં આવશે.
તો કુલ 1.35 લાખ કરોડ ડોલર ચૂકવવા પડે
અમેરિકામાં પુખ્ત વયના લોકોની વસ્તી અંદાજે 26.98 કરોડ છે. તેમને દરેકને પાંચ-પાંચ હજાર ડોલર અપાય તો 1.35 લાખ કરોડ ડોલર (અંદાજે રૂ. 128.25 લાખ કરોડનો)નો કુલ ખર્ચ થાય, જે આંકડો વિશ્વના 162 દેશોના અર્થતંત્રથી વધુ છે અને અમેરિકાના ગત વર્ષના જીડીપીના લગભગ 4.2% છે. 2025માં અમેરિકી અર્થતંત્રનું કદ 30.8 લાખ કરોડ ડોલર હતું. બીજી તરફ અમેરિકાની વાર્ષિક બજેટ ખાધ 1.80 લાખ કરોડ ડોલર છે. ટ્રમ્પ ડિવિડન્ડથી સરકારી ખર્ચ અને ખાધ પર વધુ દબાણ આવી શકે છે.
ટ્રમ્પે સાથે સાથે જ એમ પણ કહ્યું હતું કે વ્યક્તિએ આ રકમ અમેરિકામાં જ ખર્ચવાની રહેશે. જોકે ટ્રમ્પે એ નથી જણાવ્યું કે ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ની ચૂકવણી માટેની જંગી રકમ આવશે ક્યાંથી.


