નવી દિલ્હી: અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ થવા નિમંત્રણ મોકલ્યું છે. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. શરીફ સરકારે તેની પુષ્ટિ કરી છે.
અન્ય એક રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બોર્ડમાં સામેલ થવા માટે લગભગ 60 દેશોને નિમંત્રણ મોકલ્યું છે. મોટા ભાગના દેશોએ અત્યારે આ નિમંત્રણ પર ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. માત્ર ઇટાલીનાં વડાં પ્રધાન જોર્જિયા મેલોનીએ સ્પષ્ટ રીતે સ્વીકારતાં કહ્યું કે તેમનો દેશ પોતાના ભાગનું યોગદાન આપવા તૈયાર છે. આ યોજનાના ચાર્ટરથી પરિચિત એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ દેશ સ્થાથી સભ્યપદ ઇચ્છતો હોય, તો તેણે 1 બિલિયન અમેરિકન ડોલરનું યોગદાન આપવું પડશે, જ્યારે ત્રણ વર્ષ માટે સભ્યપદ મેળવવા માટે નાણાકીય કમિટમેન્ટની કશી જરૂર નથી.
ટ્રમ્પે ગુરુવારે ગાઝા બોર્ડ ઓફ પીસના બીજા તબક્કાના ગઠનની જાહેરાત કરી હતી, જેને તેઓ આ યુદ્ધ સમાપ્ત કરવા માટે મહત્ત્વનું પગલું માને છે. આ બોર્ડ ગાઝાની રોજિંદી બાબતોની દેખરેખ રાખવા માટે એક તકનીકી સમિતિનું નિરીક્ષણ કરશે અને આ વ્યાપક યુદ્ધવિરામના માળખાનો ભાગ હશે. બોર્ડનો હેતુ ગાઝા ક્ષેત્રમાં સ્થિરતા લાવવાનો અને ત્યાંના પુનર્નિર્માણની રણનીતિ બનાવવાનું છે.
ટ્રમ્પની યોજના હેઠળ ગાઝાને ફરીથી રહેવા લાયક બનાવવા માટે જરૂરી નાણાં એકઠાં કરાશે, જેનાથી ક્ષેત્રની સ્થિતિ દરેક સ્તરે સારી થઈ શકે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે પ્રયાસરત છે અને તેઓ કોઈપણ ભોગે ગાઝા યુદ્ધને સમાપ્ત કરાવી ક્ષેત્રમાં શાંતિ સ્થપાય તેવી કામના હોવાનો દાવો કરતા રહ્યા છે.


