વોશિંગ્ટનઃ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા પરથી મળે છે. એફડીઆઈમાં હજી કાર્યરત ન થઈ હોય એવી કંપનીઓમાં કરવામાં આવેલું ઇક્વિટી રોકાણ, ભારતમાં અગાઉ કરાયેલા રોકાણમાંથી થયેલી આવકના રોકાણ અને અન્ય મૂડીરોકાણનો સમાવેશ થાય છે. ભારતમાં આવેલું આવું કુલ એફડીઆઈ સમીક્ષા હેઠળના ગાળામાં 12 ટકા વધીને 25.18 બિલિયન ડોલર થયું છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં અગ્રણી દેશો જેવા કે સિંગાપોર, યુએસ, યુકે, યુએઈ, સાયપ્રસ વગેરેમાંથી આવતા એફડીઆઈમાં નોંધપાત્ર વધારો થયો છે. યુએસમાંથી આવતા એફડીઆઈનો પ્રવાહ આ સમયગાળામાં 3.7 ગણો વધીને 5.6 બિલિયન ડોલર થયો છે, જેનો આંકડો 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.5 બિલિયન ડોલર હતો.