ભારતમાં કમલા હેરિસનો પરિવાર કોવિડગ્રસ્ત થયો

Wednesday 12th May 2021 07:01 EDT
 

વોશિંગ્ટનઃ યુએસના ભારતીય મૂળના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના કાકા જી. બાલાચંદ્રન સહિતનો પરિવાર ભારતમાં કોવિડગ્રસ્ત થયો છે. આ સ્પ્રિંગમાં જી. બાલાચંદ્રન ૮૦ વર્ષના થયા છે. કમલા હેરિસે તેમને જન્મદિનનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

ભારતમાં રહેતા જી. બાલાચંદ્રને નવી દિલ્હીમાં જન્મદિન ઉજવ્યો હતો. કોરોના મહામારી ન હોત તો જન્મદિન ઉજવવા માટે તેમના ઘરે બધાં પરિવારજનો ભેગાં થયા હોત. પરંતુ, મહામારીને લીધે તેમને શુભેચ્છા આપતા ફોન કોલ્સથી જ ચલાવી લેવું પડ્યુ હતું. તેમાંનો એક કોલ તેમની વિખ્યાત ભત્રીજી- અમેરિકાના ઉપ પ્રમુખ કમલા હેરિસનો હતો.

નવી દિલ્હીમાં પોતાના ઘરેથી ઝૂમ દ્વારા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે કોવિડને લીધે તેઓ કોઈ સમારંભ કરી શકે તેમ ન હતા. હેરિસના કાકાએ જણાવ્યું કે તેમણે ઉપ પ્રમુખ અને તેમના પતિ ડગ એમ્હોફ સાથે થોડો સમય વાત કરી હતી. અંતમાં હેરિસે વોશિંગ્ટનમાં રહેતી તેમની પુત્રી એટલે કે હેરિસની પિતરાઈ બહેનની સંભાળ રાખવાની ખાતરી આપી હતી. ગયા માર્ચમાં હેરિસ સાથે થયેલી વાતચીતને યાદ કરતાં બાલાચંદ્રને જણાવ્યું કે છેલ્લે તે વખતે તેમને હેરિસ સાથે વાત કરવાની તક મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter