હ્યુસ્ટન: અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ના સમાનવ ચંદ્ર મિશનના ભાગરૂપ આર્ટેમિસ-2ના અવકાશયાત્રીઓએ શનિવારે પ્રશાંત સમુદ્રમાં ઉતરાણ કરવાની સાથે અડધી સદીથી વધુ સમયમાં માનવજાતની પ્રથમ ચંદ્રયાત્રા પૂરી કરીને નવા વિક્રમ સર્જ્યા છે. ‘નાસા’ના આ મહત્વપૂર્ણ ચંદ્ર મિશનમાં એસોસિએટ એડમિનિસ્ટ્રેટર ભારતવંશી અમિત ક્ષત્રિયે મહત્વની ભૂમિકા ભજવી હતી.
અમિત ક્ષત્રિય અમેરિકન અવકાશ સંસ્થામાં સૌથી ઊંચા પદ ધરાવતા સિવિલ સર્વન્ટ છે અને એડમિનિસ્ટ્રેટર જેરેડ આઈઝેકમેનના વરિષ્ઠ સલાહકાર પણ છે. અમિત ક્ષત્રિયના માતા-પિતા પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ હતા. અમિતે કેલિફોર્નિયાની ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી ગણિતમાં બેચલર ઓફ સાયન્સ અને ટેક્સાસની યુનિવર્સિટી ઓફ ઓસ્ટિનથી ગણિતમાં માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા પછી અમિત ક્ષત્રિયે થોડોક સમય ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં કામ કર્યું. તેઓ 2003માં ‘નાસા’ના મુખ્ય કોન્ટ્રાક્ટર યુનાઈટેડ સ્પેસ અલાયન્સમાં જોડાયા હતા. તેમણે 2014થી 2017 સુધી સ્પેસ સ્ટેશનના ફ્લાઈટ ડિરેક્ટર તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી હતી.
અમિત ક્ષત્રિય 2021માં ‘નાસા’ના હેડ ક્વાર્ટરમાં જોડાયા, જ્યાં તેઓ એક્સપ્લોરેશન સિસ્ટમ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટરના આસિસ્ટન્ટ ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટર બન્યા. તેમણે આર્ટેમિસ-1 મિશનની ટીમમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી તેઓ મૂન ટુ માર્સ પ્રોગ્રામના ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ જવાબદારી સંભાળી. આ પ્રોગ્રામ હેઠળ ‘નાસા’ ચંદ્ર પર લાંબા સમય સુધી રહેવાની વ્યવસ્થા કરવા અને આગળના ઈન્ટરપ્લેનેટરી મિશનોની તૈયારી કરી રહ્યું છે. સપ્ટેમ્બર 2025માં અમિત ક્ષત્રિય ‘નાસા’ના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત થયા હતા. તેઓ હાલ એસોસિએટ એડમિનિસ્ટ્રેટરની સાથે ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરીકેની પણ ભૂમિકા ભજવી રહ્યા છે.


