ભારતવંશી આનંદે પત્ની અને બે સંતાનોની હત્યા કરીને આપઘાત કર્યો

Tuesday 20th February 2024 07:28 EST
 
 

ન્યૂ યોર્ક: કેલિફોર્નિયામાં ભારતીય મૂળના આનંદ હેન્રી પરિવારના ચર્ચાસ્પદ અપમૃત્યુ મુદ્દે હવે નવો ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે પત્ની અને ટ્વિન્સને ગોળી માર્યા બાદ પતિ આનંદ હેન્રીએ આપઘાત કરી લીધો હતો. મહાલય જેવા નિવાસસ્થાનમાં બનેલી આ હિચકારી ઘટનાનું રહસ્ય હજુય સંપૂર્ણ ઉકેલાયું નથી.
મૃતકોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેન્રી, 40 વર્ષીય તેની પત્ની એલિસ પ્રિયંકા, અને 4 વર્ષના જોડિયા બાળકો નોહ અને નીથન તરીકે કરવામાં આવી છે. સોમવારે સેન માટેઓ વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસ હજુ આ ઘટના પાછળનું કારણ જાણી શકી નથી. પોલીસને બાથરૂમમાંથી 9 એમએમની પિસ્તોલ અને લોડેડ મેગેઝિન મળી આવ્યું હતું. દંપતીએ 2020માં 17.43 કરોડ રૂપિયામાં લક્ઝુરિયસ બંગલો ખરીદ્યો હતો. આનંદ હેનરી મેટામાં સોફ્ટવેર એન્જિનિયર હતો જ્યારે તેની પત્ની એલિસ ડેટા એનાલિસ્ટ હતી. આખોય પરિવાર ઘરમાં રહેતો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઘરની એક બારી ખુલ્લી હાલતમાં મળી આવી છે જે કોઈ ષડયંત્રનો સંકેત આપી રહી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારની હત્યા થયાના મુદ્દે પોલીસને શંકા છે કે પરિવારની હત્યા કરીને આનંદ હેન્રીએ આપઘાત કર્યો છે. પત્ની એલાઈસ અને બે જોડિયા બાળકોને ગોળી માર્યા બાદ હેનરીએ પોતે પણ લમણામાં ગોળી ધરબી દીધી હતી.
મૂળ કેરળના પરિવારમાં પતિ-પત્ની તથા તેમના ચાર વર્ષના જોડિયા બાળકોનો સમાવેશ થાય છે. તેઓના મૃતદેહો શરીર પર ગોળીઓના નિશાન હતા અને તે લોહીથી લથપથ હતા. બે મહિનાથી પણ ઓછાં સમયગાળામાં આવી બીજા ઘટનાથી અમેરિકામાં ભારતીય સમુદાયમાં આઘાતની લાગણી જન્મી છે.
અત્યાર સુધી પોલીસને શંકા હતી કે આખા પરિવારની હત્યા બીજા કોઈએ કરી છે, પરંતુ તપાસના અંતે આનંદ હેન્રી પર જ પરિવારની હત્યાની શંકા છે. બાથરૂમમાં જ્યાંથી આનંદ અને તેની પત્નીના મૃતદેહો મળ્યા હતા ત્યાં બાજુમાંથી જ એક ગન મળી આવી હતી, જે હેન્રીના નામે રજિસ્ટર થયેલી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે પત્ની એલાઈસ બેન્ઝીંગરને એકથી વધુ ગોળી મારવામાં આવી હતી, જ્યારે આનંદ હેન્રીને એક જ ગોળી લમણામાં વાગી હતી. તપાસમાં જણાયું કે બાળકોનું મોત કેવી રીતે થયું તે હજુય સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, પોલીસને શંકા છે કે તમામ લોકોના મોત પાછળ આનંદ હેનરી ખુદ જવાબદાર છે.
મિત્રોએ પોલીસનો સંપર્ક કર્યો ને...
પરિવારના મિત્રએ નોંધ્યું કે આનંદના ઘરે વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ આપતું નહોતું, તેથી તેણે પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરમાંથી તમામ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને આનંદ અને એલિસ બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના શરીર પર ગોળીઓના નિશાન હતા. તેમના જોડિયા બાળકો પણ બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter