ભારતવંશી કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં

Saturday 27th November 2021 05:18 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રમુખ બન્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં કોઈ મહિલાએ પ્રમુખપદ કાર્યભાર સંભાળ્યો હોય એવું પહેલી વખત બન્યું હતું. પ્રમુખ બાઈડેનની કોલોનસ્કોપી થઈ એ દરમિયાન તેમણે પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો હતો.
વ્હાઈટ હાઉસે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે પ્રમુખ જો બાઈડેનની કોલોનસ્કોપી કરવાની હતી તે સિવાય રૂટિન ચેકઅપ પણ હતું. તેમના ડોક્ટરે એ વખતે તેમને જવાબદારીમાંથી સંપૂર્ણ મુક્ત રહીને હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું કારણ કે એ વખતે કેટલો સમય લાગે તે નક્કી ન હતું.
આવી સ્થિતિ વચ્ચે બાઈડેને સત્તાવાર રીતે સવારે ૧૦.૧૦ વાગ્યે ઉપપ્રમુખ કમલા હેરિસને પ્રમુખપદનો ચાર્જ આપ્યો હતો. અમેરિકી સેનેટને એ માટેની જાણકારી આપવી પડે એવી જોગવાઈ હોવાથી પ્રમુખના કાર્યાલયમાં ૧૦.૧૦ વાગ્યે સત્તાવાર પત્ર પાઠવાયો હતો. તે પછી પ્રમુખ બાઈડેનની કોલોનસ્કોપી થઈ હતી અને રૂટિન ચેકઅપ થયું હતું.
બાઈડેનની તપાસ પછી તબીબોએ તેમને સંપૂર્ણ તંદુરસ્ત જાહેર કર્યા હતા. અમેરિકન ઈતિહાસના સૌથી વયસ્ક પ્રમુખ જો બાઈડેન અત્યારે ૭૯ વર્ષના છે.
રૂટિન ચેકઅપ પછી ૧૧.૩૫ કલાકે બાઈડેને ફરીથી પ્રમુખપદનો કાર્યભાર સંભાળી લીધો હતો. આ વચ્ચેના સમયગાળામાં ૧ કલાક અને ૨૫ મિનિટ સુધી કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ હતા. અમેરિકાના ઈતિહાસમાં કોઈ મહિલાએ પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો હોય એવું પ્રથમ વખત બન્યું હતું.એ સાથે જ ભારતીય મૂળના કમલા હેરિસના નામે અમેરિકાના કાર્યકારી પ્રમુખ થનારા પ્રથમ મહિલાનો અનોખો વિક્રમ નોંધાઈ ગયો હતો.
૬૦૦૦ પરમાણુ બોમ્બનો કંટ્રોલ
ન્યુક્લિયર ફૂટબોલ હંમેશા અમેરિકી પ્રમુખની સાથે હોય છે, પ્રમુખ વિદેશ પ્રવાસમાં હોય તો પણ તેમની સાથે ન્યુક્લિયર ફૂટબોલ તરીકે ઓળખાતી પરમાણુ બોમ્બનો એક્સેસ ધરાવતી બેગ હોય છે. આ ન્યુક્લિયર બોમ્બરના એક બટન સાથે ૬૦૦૦ જેટલાં પરમાણુ બોમ્બનો કંટ્રોલ હોય છે. એક અંદાજ પ્રમાણે અમેરિકા પાસે નાના-મોટાં ૬૧૮૫ પરમાણુ બોમ્બ છે. આ બધા જ બોમ્બ અમેરિકાએ અલગ અલગ સ્થળે તૈનાત રાખ્યા છે. જોકે તેનો એક્સેસ આ ન્યુક્લિયર ફૂટબોલમાં હોય છે.
અમેરિકી પ્રમુખ આ ફૂટબોલમાં બટન દાબીને ગો કોડ આપે કે તરત જ વ્હાઈટ હાઉસમાં બનેલા વોર રૂમમાંથી તેને લાગુ કરાય છે. આ આદેશને માત્રને માત્ર પ્રમુખ જ આપી શકે છે, અને પ્રમુખ જ રોકી શકે છે. અમેરિકાના પ્રમુખ કોઈ કારણોસર ઉપપ્રમુખને કાર્યભાર સોંપે તો તેની સાથે સત્તાવાર રીતે જ ન્યુક્લિયર બોમ્બનો કંટ્રોલ પણ આપે છે. દોઢ કલાક માટે હેરિસને પણ આ ફૂટબોલનો એક્સેસ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter