ભારતવંશી નિરવ શાહ USCDCમાં પ્રિન્સિપાલ ડે. ડાયરેક્ટર પદે નિયુક્ત

Tuesday 17th January 2023 13:31 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતવંશી એપિડમીઓલોજિસ્ટ નિરવ દિનેશ શાહને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (USCDC)ના પ્રિન્સિપાલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ છે. આ હોદ્દો યુએસની નેશનલ પબ્લિક હેલ્થ એજન્સીના સેકન્ડ-ઈન- કમાન્ડનો છે. નિરવ શાહ માર્ચ મહિનાથી નવો હોદ્દો સંભાળશે. હાલ નિરવ ડી. શાહ મેઈન (Maine) સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના ડાયરેક્ટર છે.

મેઈનના ગવર્નર જેનેટ મિલ્સે અમેરિકન્સ ટુંક સમયમાં જ નિરવ શાહના નેતૃત્વનો લાભ મેળવશે તેમ કહેતાં ઉમે્ર્યું હતું કે તેમણે કોવિડ-19 મહામારીના ગાળામાં રાજ્યના ઘણા રહેવાસીઓના જીવ બચાવ્યા છે. મહામારી પહેલા મેઈનમાં આવેલા ડો. શાહ મહામારીમાં મારા સૌથી વિશ્વાસુ સલાહકાર અને મેઈન CDCના અસાધારણ નેતા બની રહ્યા હતા. આથી પણ વધુ તેઓ આપણા સમયની સૌથી વિકટ જાહેર આરોગ્ય કટોકટીમાં તેઓ મેઈનના લોકોના વિશ્વાસપાત્ર સલાહકાર અને નેતા હતા.

ડો. શાહે જણાવ્યું હતું કે ‘તેમને મળેલી તક બદલ તેઓ ઘણા આભારી છે. મારી નવી ભૂમિકામાં મને માત્ર મેઈન જ નહિ, સમગ્ર દેશની સેવા કરવાનું અને આપણે અહીં જે સારું કાર્ય કર્યું છે તેને આગળ વધારવાનું સન્માન પ્રાપ્ત થશે. હું નવી ભૂમિકા માટે તૈયાર થઈ રહ્યો છું ત્યારે આપણે એકબીજાની સંભાળ રાખવી જોઈએ તેમ મેં હંમેશાં કહ્યું હતું તેમ મારી કાળજી રાખવા બદલ હું મેઈનના લોકોનો આભાર માનું છું.’

અમેરિકન એપિડમીઓલોજિસ્ટ, ઈકોનોમિસ્ટ અને એટર્ની રહેલા નિરવ શાહનો જન્મ 1977માં થયો હતો. તેમણે 1999માં યુનિવર્સિટી ઓફ લૂઈવિલેથી બેચલર ઓફ સાયન્સ તેમજ યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી જ્યુરિસ ડોક્ટર અને ડોક્ટર ઓફ મેડિસિનની ડીગ્રી મેળવી છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter