વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવતા ઐતિહાસિક ચૂકાદાના મૂળમાં ભારતવંશી એટર્ની નીલ કાત્યાલની મહેનત છે. ટ્રમ્પનાં ટેરિફનો ખેલ ખતમ કરવા માટે નીલ કાત્યાલે ટેરિફને કાનૂની પડકાર આપ્યો હતો. ટ્રમ્પે 1977નાં ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર એક્ટનો ઉપયોગ કરીને તમામ વેપારી ભાગીદાર દેશો પર ટેરિફ ઝીંક્યો હતો. આની સામે નીલ કાત્યાલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે પ્રેસિડેન્ટે ઈમરજન્સી કેસમાં તેમને મળતી આર્થિક સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે ટેરિફ એક પ્રકારનો ટેક્સ જ છે, અને ટેક્સ લગાવવાનો અધિકાર અમેરિકાની કોંગ્રેસને જ છે, પ્રેસિડેન્ટને નહીં. આ પછી સુપ્રીમ કોર્ટે 6 વિરુદ્ધ 3 મતે ચુકાદો આપ્યો હતો.
કોણ છે નીલ કાત્યાલ?ઃ નીલ કાત્યાલનો જન્મ શિકાગોમાં ભારતવંશી માતાપિતાનાં ઘરે થયો હતો. પિતા એન્જિનિયર અને માતા ડોકટર હતા. તેમણે ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કુલમાં અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાનાં કાર્યકારી સોલિસીટર જનરલ રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટમાં 50થી વધુ કેસ લડી ચૂક્યા છે. બંધારણને લગતા અનેક કેસમાં તેમણે દલીલો કરી છે. તેઓ હાલ મિલબેંક LLPમાં ભાગીદાર છે અને જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં લોનાં પ્રોફેસર છે. તેઓ અનેક રાષ્ટ્રીય સુરક્ષાનાં કેસમાં સરકારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
આ કેસ કોણે કર્યો હતો?ઃ અમેરિકાનાં નાના વેપારીઓ તેમજ 12 જેટલા રાજ્યો દ્વારા ટ્રમ્પના ટેરિફને કોર્ટમાં પડકારતો કેસ કરાયો હતો. આ લોકોએ ફરિયાદ કરી હતી કે ટેરિફના કારણે તેમનાં વેપારને માઠી અસર થઈ રહી છે. જોકે ટ્રમ્પ સરકારે ટેરિફને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક દબાણ માટે આવશ્યક ગણાવ્યો હતો. કોર્ટે સાફ સાફ કહ્યું કે રાષ્ટ્રપતિ ઈમરજન્સીને કારણે વ્યાપક ટેક્સ કે ટેરિફ લગાવી શકે નહીં.
નીલ કાત્યાલે કેસ જીત્યા પછી શું કહ્યું?
કાત્યાલે કેસ જીત્યા પછી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદો અને શાસન તેમજ અમેરિકનોના અધિકારોની રક્ષા કરાઇ છે. રાષ્ટ્રપતિ શક્તિશાળી હોય છે પણ બંધારણ તેનાથી વધારે શક્તિશાળી છે. અમેરિકામાં ટેક્સ લગાવવાનો અધિકાર ફક્ત જે રીતેનાં ચુકાદાની ધારણા હતી તે મુજબ જ ચુકાદો આપ્યો છે. આ કેસ કોઈ એક રાષ્ટ્રપતિની વિરુદ્ધ નથી પણ સત્તા અને સંતુલન તેમજ બંધારણીય વ્યવસ્થાને લગતો છે.
ટ્રમ્પે એટર્ની કાત્યાલ સામે આક્ષેપો કર્યા
કેસ હાર્યા પછી ટ્રમ્પે રોષ ઠાલવ્યો તેમાં ખાસ કરીને કેસ લડનાર અને તેમના ટેરિફને પડકારનાર નીલ કાત્યાલ સામે કડક પગલાં લેવા કહ્યું હતું. નીલ કાત્યાલ મૂળ ભારતીય અમેરિકન એટર્ની છે. જેમણે સુપ્રીમ કોર્ટમાં લર્નિંગ રિસોર્સિસ તેમજ પ્લેનટિફસ વતી કેસ લડયો હતો. તેઓ ટ્રમ્પની MAGA સરકાર સામે અવરોધો સર્જી રહ્યા છે. આ કેસમાં બીજા એક મૂળ ભારતીય પ્રતિક શાહનું નામ પણ ચમક્યું છે. તેઓ લર્નિંગ રિસોર્સિસ તેમજ હેડ-ટુ-માઈન્ડ કંપનીના મુખ્ય વકીલ હતા.


