ભારતવંશી બાળકી મ્યા પટેલના મોત બદલ જોસેફ લી સ્મિથ દોષિત જાહેર

સ્મિથની ગનની બૂલેટ નિશાન ચૂકતા મ્યાએ જીવ ખોયોઃ 40 વર્ષ સુધી કેદ થઈ શકે

Tuesday 17th January 2023 14:05 EST
 
 

ન્યૂ યોર્કઃ પાંચ વર્ષની ભારતીય અમેરિકન બાળકી મ્યા વિમલ પટેલના મોત સંદર્ભે 35 વર્ષીય જોસેફ લી સ્મિથને ગુનેગાર ઠેરવાયો છે. માર્ચ 2021માં મ્યા શ્રેવેપોર્ટના મોન્કહાઉસ ડ્રાઈવના હોટેલ રૂમમાં રમી રહી હતી ત્યારે જોસેફ લી સ્મિથની ગનમાંથી વછૂટેલી બૂલેટ તેનું નિશાન ચૂકી ગઈ હતી અને મ્યાને માથામાં વાગી હતી. ત્રણ દિવસ પછી હોસ્પિટલમાં મ્યાનું મૃત્યુ થયું હતું. લુઈસિયાનાના સ્મિથને 27 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ સજા જાહેર કરવા રજૂ કરાશે. તેને માનવવધના ગુનામાં 40 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે.

કોર્ટ સમક્ષ કરાયેલી રજૂઆત અનુસાર 20 માર્ચ, 2021ના રોજ સુપર એઈટ મોટેલના પાર્કિંગ લોટમાં સ્મિથ અને અન્ય વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મોટેલની માલિકી અને સંચાલન તે સમયે વિમલ અને સ્નેહલ પટેલ હસ્તક હતા. આ મોટેલના નીચેના યુનિટમાં જ તેઓ બંને તેમની દીકરી મ્યા અને અન્ય નાના બાળક સાથે રહેતા હતા. સ્મિથે સામેની વ્યક્તિ પર તેની 9-mm હેન્ડગનમાંથી ગોળી ચલાવી હતી પરંતુ, તે નિશાન ચૂકી ગયો હતો અને ગોળી એપાર્ટમેન્ટમાં રમતી મ્યાને માથામાં વાગતા પહેલા તેની માતાના હાથ પર ઘસરકો કરી ગઈ હતી. મ્યાને તત્કાળ નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે ત્રણ દિવસ સુધી જીવનમરણનો સંઘર્ષ કર્યો હતો. આખરે 23 માર્ચે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જોસેફ લી સ્મિથે મ્યા પટેલના મોત અંગે ભારે અફસોસ દર્શાવ્યો હતો. તેણે એક વીડિયોમાં જણાવ્યું હતું કે આ ઘટના પછી તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

જોસેફ લી સ્મિથને 27 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ રજૂ કરાશે. તેને માનવવધના ગુનામાં 40 વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ મારપીટના ગુનામાં 10 વર્ષની જેલની સજા અને/અથવા 5000 ડોલર સુધીના દંડ ઉપરાંત, ન્યાયના અવરોધના ગુનામાં 40 વર્ષની કેદ અને/અથવા 100,000 ડોલર સુધીનો દંડ પણ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter