વોશિંગ્ટન: વિશ્વના પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહેલી જંગલોની આગનો સામનો કરવા 17 વર્ષના ભારતવંશી વિદ્યાર્થી સિદ્ધાર્થ પટેલ દાસવાનીએ તૈયાર કરેલા ઉપકરણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સ્મોક સિગ્નલ નામે ઓળખાતા આ સાધનને એઆઇ ટુલની મદદથી તૈયાર કરાયું છે. આ ઉપકરણ આગ લાગ્યાના સંકેત તરત આપીને આગને ફેલાતી રોકવામાં મદદરૂપ થાય છે. વર્ષેદહાડે કરોડો વૃક્ષો સહિતની મહામૂલી વન્યસંપતિને ભરખી જતી જંગલોની આગ વિશે સમયસર ચેતવણી મળતાં જંગલો અને પર્યાવરણને બચાવવામાં મોટી મદદ મળી શકે છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ વેળા આકાશ અનેક દિવસો સુધી ધુમાડાથી ઢંકાઇ ગયું હતું. તે ક્ષણને યાદ કરતાં સિદ્ધાર્થ કહે છે કે આ સમયે તેને થયું હતું કે બધું સામાન્ય થાય અને રહે તે માટે તેણે પણ પ્રયાસ કરવા જોઈએ. આ પછી તેણે સ્મોક સિગ્નલ નામના સંગઠનની સ્થાપના કરી હતી.


