ભારતવંશી વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં દાવેદારી છોડી

Friday 26th January 2024 09:54 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના પ્રેસિડેન્ટપદની દાવેદારી છોડી દીધી છે. રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. વિવેકે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મારા માટે હવે કોઈ અન્ય માર્ગ બચ્યો નથી. વાસ્તવમાં રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે પ્રથમ કોકસનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોવામાં યોજાયેલ આ કોકસમાં ડોનાલ્ડ ટ્રમ્પને વિજય મળ્યો હતો. આમ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદની રેસમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત નિક્કી હેલી અને રોન દેસાંતિસ એમ ત્રણ ઉમેદવારો જ બચ્યા છે.
રામાસ્વામી ટૂંક સમયમાં લોકપ્રિય થયા હતા
રામાસ્વામી ઇમિગ્રેશન પર પોતાના કડક વિચારો અને અમેરિકા ફર્સ્ટની પોતાની નીતિના કારણે થોડા સમયમાં જ મતદાતાઓમાં લોકપ્રિય થઈ ગયાં હતાં. જોકે તેમ છતાં પક્ષની અંદર રાષ્ટ્રપતિની રેસમાં ખૂબ ખરાબ રીતે પાછળ રહી ગયાં હતાં. આયોવા કોકસમાં પણ રામાસ્વામી ચોથા ક્રમ પર રહ્યા હતાં અને તેને ફક્ત 7.7 ટકા મત જ મળ્યા હતાં.
ટ્રમ્પે રામાસ્વામીને કપટી ગણાવ્યા હતા
વિવેક રામાસ્વામી એક બિલિયોનેર બિઝનેસમેન છે અને એક બાયોટેક કંપનીના વડા છે. રામાસ્વામીના માતા-પિતા કેરળના રહેવાસી હતા અને વર્ષો પહેલાં અમેરિકામાં વસી ગયાં હતાં. રામાસ્વામીનો જન્મ અમેરિકાના ઓહિયોમાં થયો હતો. પ્રચારની શરૂઆતમાં વિવેકે ટ્રમ્પની પ્રશંસા કરી હતી અને પોતાને તેના ગાઢ સાથી ગણાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter